ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ થયા બાદ બંને એકબીજાને મળતા હતાં : વાલીઓ અજાણ
અગ્ર ગુજરાત, રાજકોટ
સમગ્ર સૌરાષ્ટ્રમાં વાલી જગત માટે ચિંતા જગાવતો એક કિસ્સો રાજકોટમાં બહાર આવ્યો છે. જેમાં માત્ર ૧3 વર્ષની તરૂણીને તેનો ૧૫ વર્ષનો વિધર્મી બોયફ્રેન્ડ ભગાડી ગયો હતો અને તેના શરીર સાથે અડપલા કર્યા બાદ તેને લઇ દ્વારકા જતો હતો. પરંતુ તે પહેલા બંનેને પોલીસે ટ્રેનમાંથી ઝડપી લીધા હતા. ભકિતનગર પોલીસે તરૂણ સામે અપહરણ, અડપલા કરવા અંગે અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી પુછપરછ શરૂ કરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ભકિતનગર પોલીસની હદમાં ભોગ બનનાર તરૂણી રહે છે. તેના ઘરથી થોડે દૂર શાકભાજીની લારી ઉભી રહે છે. જયાં ૧પ વર્ષનો તરૂણ તેના પિતા સાથે બેસે છે. તરૂણી ત્યાંથી પસાર થતી હોવાથી અને શાકભાજી લેતી હોવાથી તરૂણ સાથે મિત્રતા થઇ હતી. ત્યારબાદ બંને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ બન્યા હતા. બે દિવસ પહેલા તરૂણીના પિતા સુરત પ્રસંગે ગયા હતા. પાછળથી તરૂણીની માતા પરિવારના સભ્યો સાથે એક બર્થ ડે પાર્ટીમાં ગઇ હતી.
માતા-પિતાની ગેરહાજરીમાં તરૂણી પાડોશમાં રહેતી સખી સાથે ગરબી જોવાના બહાને ઘરેથી નીકળ્યા બાદ બોયફ્રેન્ડને મળી હતી. પાડોશીઓ જોઇ જતા તેમણે તરૂણીના માતા અને કાકાને જાણ કરી હતી. જેથી તેમણે ઠપકો આપ્યો હતો. આ કારણથી તરૂણીને પિતા બહાર ગામથી પરત આવી વધુ ઠપકો આપશે તેવો ડરલ ગતાં બોયફ્રેન્ડને લઇ જવાનું કહ્યું હતું.
બીજા દિવસે એટલે કે ગઇકાલે તરૂણીને તેની દાદી સ્કુલે મુકવા ગઇ હતી. સાંજે સ્કુલેથી તરૂણીને લેવા ગયા ત્યારે જાણવા મળ્યું હતું કે બપોરે 3 વાગ્યે જ સ્કુલ છુટી ગઇ છે. જેથી તરૂણીના વાલીઓ ચિંતામાં મુકાઇ ગયા હતા. તેઓ પોતાની પુત્રી આગલા દિવસે જે બોયફ્રેન્ડને મળી હતી તેના પિતા પાસે પહોંચ્યા હતા અને તેમનો પુત્ર તેમની પુત્રીને ભગાડી ગયાની જાણ કરી હતી. જેથી તરૂણના પિતાએ કોલ કરી પુત્રને પોતાની રેકડીએ બોલાવ્યો હતો. તે વખતે તરૂણે પોતે ભગાડી ગયાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ રેકડીએથી જતો રહ્યો હતો.
પરિણામે પરિવારના સભ્યોએ ફરીથી તરૂણીની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ પત્તો નહી મળતાં આખરે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. જેથી પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા અને રાઇટર નિલેશ મકવાણાએ તપાસ શરૂ કરી હતી. આખરે મોબાઇલ ફોનના લોકેશન મળ્યું હતું. જેથી રેલવે પોલીસની મદદથી રેલવે સ્ટેશનની સામેની સાઇડ અને પ્લેફોર્મ ઉપર તપાસ શરૂ કરી હતી. આખરે તરૂણી અને તેનો બોયફ્રેન્ડ દ્વારકા જતી ટ્રેનમાંથી મળી આવ્યા હતા.
પરિવારજનોએ પુછપરછ કરતા તરૂણીએ કહ્યું કે તેણે કોલો કરી દીધો હોવાથી તેનો બોયફ્રેન્ડ સ્કુલેથી ભગાડી પોતાની દાદીના ઘરે લઇ ગયો હતો. જયાં તેમની સાથે અડપલા કર્યા બાદ સાંજે રેલવે સ્ટેશને લઇ ગયો હતો. બંને દ્વારકા જતી ટ્રેનમાં બેઠા ત્યાં જ પોલીસ પહોંચી ગઇ હતી.