બુધવારે સાંજે સાંસદ રામભાઇ મોકરિયાના હસ્તે દીવાળી મહોત્સવનું ઉદઘાટન થતા જ શહેરીજનો રિંગરોડ પર રોશની જોવા ઉમટી પડ્યા
ત્રણ કિલમીટર ફરતે આકર્ષક રોશની સાથે મ્યુઝિકલ સ્ટેજ, સેલ્ફી પોઇન્ટ, ફ્લોટ ઉભા કરવવામા આવ્યા, પાંચ દિવસ સુધી રિંગરોડ પર રહેશે ઝળહળાટ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં દીવાળીના પર્વનો ખરો ઉમંગ અને ઉલ્લાસ રેસકોર્સના રિંગરોડ પર મીની કાર્નિવલના સ્વરૂપે ગઇકાલે સાંજથી શરૂ થઇ ચુક્યો છે. 3 કી.મી.ના આખા રિંગરોડને રોશનીના વાઘા પહેરાવાયા છે. ગઇકાલે સાંજે સાંસદ રામભાઇ મોકરિયાના હસ્તે દિપોત્સવનું ઉદ્ઘાટન થયા બાદ રાત્રે રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં રોશની જોવા માટે ઉમટી પડ્યા હતા. બેસતા વર્ષના બીજા દિવસ સુધી દિવાળી ઉત્સવનો આ જલજલો રિંગરોડ પર રાખવામા આવશે.
રેસકોર્સ એ આમેય રાજકોટવાસીઓનું હાર્ટ છે. એમાયે ચાર વર્ષ પછી રિંગરોડ પર દીવાળીની રોશનીનો જગમગાટ થયો છે. કોરોના કાળ પહેલા સળંગ બે વર્ષ સુધી દીવાળી કાર્નિવલ ઉજવાયો. જો કે તેના જેવુ આયોજન તો આ વખતે નથી થયુ. બજેટમાં કાર્નિવલ માટે થયેલી નાણાકીય જોગવાઇ કરતા વધુ એસ્ટિમેટ આવતા ખર્ચમાં થોડો કાપ મુકાયો છે અને કાર્નિવલ ન યોજવા શાસકોએ નિર્ણય તો જાહેર કર્યો હતો હતો પરંતુ બજેટમાં કાપ મુકવા છતાં રાજકોટવાસીઓને દીવાળીના ઉમંગને ઝાંપટ ન લાગે એ માટે મિનિ કાર્નિવલ જેવી ઉજવણીનું આયોજન કરવામા આવ્યુ છે. કિસાનપરા ચોકથી રંગીલા રાજકોટના એન્ટ્રી ગેટ સાથે સમગ્ર રિંગરોડને રોશનીથી શણગારવામા આવ્યો છે.
એટલુ જ નહીં અમુક અમુક અંતરે મ્યુઝિક સિસ્ટમ માટેના સ્ટેજ ઉભા કરવામા આવ્યા છે. આ ઉપરાંત થોડા થોડા અંતરે ટેબ્લોઇટ(ફ્લોટ) પણ ઉભા કરવામા આવ્યા છે. શહેરીજનો દિવાળીની આ ઉજવણીને એક યાદગીરી તરીકે ક્લીક કરી શકે એ માટે સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામા આવ્યા છે. પાંચ દિવસ દરમિયાન આતશબાજી, રંગોળી સ્પર્ધા, મ્યુઝિકલ સહિતના કાર્યક્રમો રાખવામા આવ્યા છે.