- નાણા વિભાગના અધિકારીઓએ રકમ સગેવગે કરી
- વિધાનસભાના ગત સત્રમાં પુછાયેલા સવાલના જવાબમાં થયેલો ખુલાસો
- અધિકારીઓએ આ પૈસા જનરલ રેવન્યૂ ખાતે જમા કરાવી ખર્ચ કરી દીધા
રાજસ્થાનમાં સરકાર બદલાયા બાદ હવે નાણા વિભાગના ટોચના અધિકારીઓના કરતૂતો એક-એક કરીને સામે આવી રહ્યા છે. અગાઉની ગેહલોત સરકારે સરકારી કર્મચારીઓનું હિત ધ્યાનમાં રાખીને જે ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) લાગુ કરી હતી તેમાં પણ નાણા વિભાગના અધિકારીઓએ મોટો ખેલ કરી નાખ્યો. OPSની જાહેરાત કર્યા બાદ પણ જાન્યુઆરી, 2022થી માર્ચ, 2022 સુધી કર્મચારીઓનો એનપીએસ ફાળો કપાયો પણ આ રકમ કેન્દ્ર સરકારના એનએસડીએલ ફંડમાં કે રાજસ્થાનમાં કર્મચારીઓ માટે ખોલાયેલા જીપીએફ એકાઉન્ટ્સમાં જમા નહોતી કરાવાઇ. વિભાગના અધિકારીઓએ આ પૈસા જનરલ રેવન્યૂ ખાતે જમા કરાવી ખર્ચ કરી દીધા. આ ખુલાસો સીએજીના એક રિપોર્ટ ઉપરાંત 15મી વિધાનસભાના અંતિમ સત્રમાં પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્ર રાઠોડ દ્વારા પુછાયેલા સવાલના જવાબમાં પણ થયો છે.
કર્મચારીઓ સાથે પણ ઠગાઇ
ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ થતાં પહેલાં રાજસ્થાન સરકારે કર્મચારીઓનો અને તેના રેશિયોમાં પોતાનો ફાળો એનએસડીએલમાં જમા કરાવવાનું બંધ કર્યું હતું. જ્યારે કર્મચારીઓના વેતનમાંથી 641 કરોડ જેટલી રકમ કપાઈ હતી. આ રકમ એનએસડીએલમાં જમા નથી થઇ કે પરત કરવા માટે સરકાર પાસે પણ નથી બચી.
મફતની યોજનાઓ પાછળ રકમ ખર્ચી દેવાઇ
ગેહલોત સરકારે ઓપીએસ લાગુ કરવા સાથે શરત મૂકી હતી કે જે લોકોએ ઓપીએસમાં પેન્શન લેવું છે તેમણે એનપીએસમાંથી વિડ્રો કરાયેલી રકમ સરકારને વ્યાજ સાથે પરત કરવાની રહેશે. આ રકમ જીપીએફ ખાતાંમાં જમા કરાવવાની હતી પણ અધિકારીઓએ મફતની યોજનાઓ પાછળ ખર્ચી કાઢી. હવે કર્મચારીઓનું એક હજાર કરોડ રૂપિયાનું ફંડ કેવી રીતે પરત કરવું એ નવી સરકાર માટે મોટો પડકાર રહેશે. આ રકમ સગેવગે કરી દેનારા અધિકારીઓ સામે શું કાર્યવાહી થાય છે એ પણ જોવું રહ્યું.


