- કુબેર ડિંડોરે કહ્યું- શિક્ષકોને CPRની તાલીમ આપવી છે જરૂરી
- રવિવારે પહેલા તબક્કે જ 88 હજાર શિક્ષકોને CPRની તાલીમ અપાશે
- ગુજરાતમાં પહેલાથી જ પોલીસ કર્મચારીઓને CPRની તાલિમ અપાઈ
ગુજરાતમાં છ જ મહિનામાં હાર્ટએટેકને કારણે 1,052 નાગરીકોના મૃત્યુ થયા છે. આ મૃતકો પૈકી 80 ટકા નાગરીકો 11થી 25 વર્ષના વયજુથના હોવાનુ તારણ છે. આથી રાજ્યના તમામ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન- CPRથી તાલિમબધ્ધ કરવા અનિવાર્ય હોવાનું શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યુ હતુ. રવિવારથી રાજ્યભરની શાળાઓના શિક્ષકોને નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા CPR ટ્રેઈનિંગ માટે અભિયાન શરૂ થઈ રહ્યુ છે. જેની જાણકારી આપતી વેળા શિક્ષણ મંત્રી ડિંડોરે આ વાસ્તવિકતાને જાહેર કરી હતી.
શિક્ષણ મંત્રીએ જાહેર કરેલી માહિતી અંગે પૂછતા તેમણે 108 ઈમરજન્સી સર્વિસ સેન્ટરમાંથી આ ડેટા ઉપલબ્ધ થયાનું જણાવ્યુ હતુ. ઉલ્લેખનિય છે કે, કોવિડ-19ની મહામારી બાદ રાજ્યમાં અચાનક નાની વયે હાર્ટ એટેકથી મૃત્યુના કિસ્સા વધ્યા છે. આ દિશામાં નિષ્ણાતો સંસોધન પણ કરી રહ્યા છે. સાથેસાથે રાજ્ય સરકારે આપાતકાળ દરમિયાન માણસનો જીવ બચાવી શકાય તે ઉદ્દેશ્યથી પહેલા પોલીસકર્મીઓ અને હવે શિક્ષકોને CPRની ટ્રેઈનિંગ આપવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યુ કે, કે.જી. થી લઈને પી.જી. સુધીના બે લાખથી વધારે શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન- CPRની તાલિમ અપાશે. બે તબક્કે એટલે કે ત્રીજી ડિસેમ્બર અને 17મી ડિસેમ્બર એમ રવિવારના દિવસે યોજનારી આ તાલીમ રાજ્યના 37 મેડિકલ કોલેજો તથા 14 સ્થળો ઉપર 2500થી વધુ ડોક્ટરો સહિતના તબીબી વ્યવસાયિકો આપશે. જે સંપૂર્ણતઃ સૈધ્ધાંતિક અને પ્રેક્ટિકલ રહેશે. જેમાં પ્રથમ તબક્કે પહેલા રવિવારે 88 હજાર શિક્ષકોને આવરી લેવાનું આયોજન છે.
ગુજરાતમાં પહેલાથી જ પોલીસ કર્મચારીઓને CPRની તાલિમ અપાઈ છે. જેના સારા પરીણામો પણ મળ્યા છે. હવે શિક્ષકોને તાલિમ આપ્યા બાદ આવનારા સમયમાં એન.એસ.એસ. અને એસ.સી.સી.ના કેડેટ્સને પણ તાલિમબધ્ધ કરવામાં આવશે. જેથી યુવાનો કે વયસ્કોમાં હાર્ટએટેકના તબક્કે ગોલ્ડન પિરીયડમાં CPR થકી જીવન બચાવી શકાય.


