- બોર્ડની પરીક્ષા માટે વહીવટી તંત્ર સજ્જ, આચાર્યોને તાલીમબદ્ધ કરાયા
- વિદ્યાર્થીઓનો માનસિક તણાવ દૂર કરવા આચાર્યોને બે ઝોનમાં તાલીમ અપાઈ
- 11, માર્ચથી શરૂ થતી બોર્ડ પરીક્ષાની તૈયારીનો આખરી ઓપ અપાયો
11, માર્ચથી શરૂ થનાર ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટેની તૈયારીઓની જિલ્લા શિક્ષણઅધિકારી કચેરી દ્વારા આખરી અપાઈ રહ્યો છે. પરીક્ષાના માહોલમાં માનસિક તાણ અનુભવતા વિદ્યાર્થીઓનો તણાવ દૂર કરવા માટે જિલ્લાની તમામ શાળાના આચાર્યોને તાલીમ આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગના સહયોગથી મનોચિકિત્સક અને અન્ય તજજ્ઞોની કાઉન્સિલિંગ ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો માટે હેલ્પ સેન્ટર તેમજ તબીબોના ફોન નંબર પણ જાહેર કરાયા છે. મહેસાણા જિલ્લામાં ધો.10ના 30,149 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. બોર્ડની ધો.10ની પરીક્ષા માટે ત્રણ ઝોન બનાવાયા છે.
શાંત અને ભયમુકત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી બિપીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનો તણાવ દૂર કરવા તેમજ તેમની સાથે સહાનુભૂતિ પૂર્વક વર્તનથી પરીક્ષાનો ડર દૂર કરવા માટે જિલ્લાની તમામ શાળાઓના આચાર્યોને તાલીમ આપવામાં આવી છે. જેથી પોતાની શાળામાં જઈ આચાર્યો બોર્ડના પરીક્ષાર્થીઓને માનસિક રીતે તૈયાર કરી શકશે. અનેક શાળાઓમાં બોર્ડની પરીક્ષાની જેમ મોક પરીક્ષા લઈ વિદ્યાર્થીઓને પરીક્ષાનો હાઉ દૂર કરાયો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કેટલા કલાક વાંચન કરવું, કેવી રીતે વાંચવું સહિતની પરીક્ષાની તૈયારીઓ માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ સાથે મૈત્રી પૂર્ણ સંવાદ કરે:તજજ્ઞ
બોર્ડની પરીક્ષાએ જીવનની આખરી પરીક્ષા નથી. એ વાત વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ સમજવાની જરૂર છે. સ્પર્ધાત્મક વાતાવરણમાં વાલીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા બાળકોને સતત દબાણમાં રાખવાથી વિદ્યાર્થી માનસિક તણાવમાં આવી શકે છે. ધો.10 કે 12માં નાપાસ થયેલા સચિન તેંન્ડુલકર જેવા અનેક વ્યકિતઓ પોતાના જીવનમાં શ્રોષ્ઠ સફળતા પ્રાપ્ત કરી હોય તેવા અનેક દાખલાઓ મોજૂદ છે. જેથી પરિણામની ચિંતા કર્યા વગર યોગ્ય સમયપત્રક બનાવી અભ્યાસ કરવામાં આવે તો ધાર્યું પરિણામ આવી શકે છે.
વિદ્યાર્થીઓને તણાવ મુક્ત કરવા આચાર્યોને તાલીમ આપી : જિ. શિક્ષણાધિકારી
મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી બીપીનભાઈ એન.પટેલએ જણાવ્યું હતું કે, માનસિક તણાવ અનુભવતા વિદ્યાર્થીઓનો તણાવ કેવી રીતે દૂર કરવો તેની તાલીમ જિલ્લાની તમામ શાળાના આચાર્યોને બે ઝોનમાં આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની મદદથી મનોચિકિત્સક અને તજજ્ઞો દ્વારા અપાયેલી આ તાલીમ વિદ્યાર્થીઓને તણાવમુકત કરવા ઉપયોગી થશે. આ ઉપરાંત પ્રશ્નપત્રોના મુલ્યાંકનમાં પણ સરકાર દ્વારા શિક્ષકોને હકારાત્મક સૂચનો કરાયાં છે.


