- સર્બિયાનો જોકોવિચ 11મી વાર ઓસ્ટ્રેલિયન ઓપન જીતવા મેદાનમાં ઉતરશે
- સ્વિયાતેકની પહેલા ટાઇટલ પર નજર
- જોકોવિચને અલ્કારાજ ટક્કર આપશે
10 વાર ઓસ્ટ્રેલિયન ઓપન જીતી ચૂકેલા દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ આગામી સિઝનમાં 11મી વાર આ ખિતાબ જીતવા મેદાનમાં ઉતરવા તૈયાર છે. 14 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયન ઓપનના મુખ્ય રાઉન્ડની મેચ શરૂ થશે. તેના ડ્રો જાહેર કરી દેવાયા છે. 24 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલા સર્બિયાના જોકોવિચને પહેલા રાઉન્ડમાં સરળ ડ્રો મળ્યો છે. તે ક્વોલિફાયર મારફત ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરનારા ખેલાડી સામે રમશે. તેના હરીફનું નામ જાહેર થયું નથી. ક્વોલિફાયર રાઉન્ડ 13 જાન્યુઆરી સુધી ચાલશે. જોકોવિચે તાજેતરમાં જ યુનાઇટેડ કપમાં ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનોર સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. 2018 બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર આ તેની પહેલી હાર હતી. તેમ છતાં આ વખતે જોકોવિચ જીત માટે પ્રબળ દાવેદાર છે.નોવાક જોકોવિચ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021 અને 2023માં ઓસ્ટ્રેલિયન ઓપન જીતી ચૂક્યો છે.
સ્વિયાતેકની પહેલા ટાઇટલ પર નજર
મહિલાઓના ડ્રોમાં દુનિયાની નંબર-1 ખેલાડી ઇગા સ્વિયાતેકએ 2020ની ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા સોફિયા કેનિન વિરુદ્ધ મેદાનમાં ઊતરવું પડશે. બંને વચ્ચેનો આ મુકાબલો ખૂબ રોમાંચક રહેશે. સ્વિયાતેક ત્રણ વાર ફ્રેન્ચ ઓપન અને એક વાર યુએસ ઓપન ચેમ્પિયન બની છે. તે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં હજુ સુધી પહોંચી શકી નથી. તેની નજર પહેલીવાર મેલબોર્નમાં ખિતાબ જીતવા પર રહેશે.
જોકોવિચને અલ્કારાજ ટક્કર આપશે
જોકોવિચને ખિતાબ જીતવામાં સ્પેનના કાર્લોસ અલ્કારાજ પાસેથી જોરદાર સ્પર્ધાનો સામનો કરવો પડશે. અલ્કારેજ પહેલા રાઉન્ડમાં અનુભવી રિચર્ડ ગાસ્કેટ સામે મેદાનમાં ઊતરશે. અલ્કારાજે આ સિઝનમાં કોઈપણ સ્પર્ધાત્મક મેચ વિના મેદાનમાં ઊતરી રહ્યો છે. તે ગાસ્કેટ સામે મજબૂત શરૂઆત કરવા માગે છે.
રાયબાકિના સામે પ્લિસ્કોવાનો પડકાર
વર્તમાન ચેમ્પિયન આર્યના સબાલેન્કાએ પહેલા રાઉન્ડમાં ક્વોલિફાયરનો સામનો કરવાનો છે. ત્રીજી ક્રમાંકિત ચેક રિપબ્લિકની કેરોલિના પ્લિસ્કોવા સામે થશે. પ્લિસ્કોવા દુનિયાની 37મા નંબરની ખેલાડી છે. યુએસ ઓપન વિજેતા કોકો ગોફ પહેલા રાઉન્ડમાં સ્લોવાકિયાની અન્ના કેરોલિના સામે ટકરાશે.


