- અમેરિકાના મંદિરોમાં સપ્તાહભર ભવ્ય ઉજવણી થશે
- હિંદુ મંદિર સશક્તીકરણ પરિષદે કરી જાહેરાત
- એર ઇન્ડિયા દ્વારા દિલ્હી- અયોધ્યા ફ્લાઇટનું 16 જાન્યુ.થી દૈનિક સંચાલન
આવતા મહિને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામમંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. સાત સમુદ્ર દૂર અમેરિકી મંદિરોમાં પણ એક સપ્તાહ સુધી આ પ્રંસગની ધામધૂમથી ઉજવણી થશે. અમેરિકામાં હિંદુ મંદિરોનું પ્રતિનિધિત્વ કરનારી હિંદુ મંદિર સશક્તીકરણ પરિષદના તેજલ શાહે કહ્યું હતું કે,’ અમારું સૌભાગ્ય છે. સદીઓની પ્રતીક્ષા અને સંઘર્ષ પછી અમારા સપનાનું મંદિર સાકાર થઈ રહ્યું છે. અમેરિકા અને કેનેડામાં પ્રત્યેક વ્યક્તિ ભગવાન શ્રીરામ પોતાના મંદિરમાં બિરાજે તેની પ્રતીક્ષા કરી રહ્યા છે. બધા જ ભક્તો ભાવવિભોર છે.’ શાહે કહ્યું કે ઉત્તર અમેરિકામાં નાના મોટા મંદિરોમાં સપ્તાહભર ચાલનારો ઉત્સવ કાર્યક્રમ 15 જાન્યુઆરીના રોજ શરૂ થશે. 20 જાન્યુઆરીની રાતે અયોધ્યાથી રામમંદિર ઉદ્ઘાટનનું લાઇવ પ્રસારણ શરૂ થવા સાથે ઉત્સવ સમાપ્ત થશે.
એર ઇન્ડિયા એક્સપ્રેસ 30 ડિસેમ્બરે દિલ્હી-અયોધ્યા પ્રથમ ફ્લાઇટનું સંચાલન કરશે
એર ઇન્ડિયા એક્સપ્રેસ 30 ડિસેમ્બરના રોજ રાજધાની દિલ્હીથી અયોધ્યાની પ્રથમ ફ્લાઇટનું સંચાલન કરશે અને 16 જાન્યુઆરીથી નિયમિત દૈનિક ફ્લાઇટ સેવાનું સંચાલન કરશે. અયોધ્યા ખાતેના મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટે એ-321 અને બી-737 જેવા વિમાનોનું પણ સંચાલન થઈ શકે તે માટે રનવેનો વિસ્તાર કર્યો છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે બુધવારે જણાવ્યું હતું કે દિલ્હી- અયોધ્યા પ્રથમ ફ્લાઇટ નંબર
આઇએક્સ 2789 દિલ્હીથી 30 ડિસેમ્બરના રોજ બપોરે 11ના સુમારે રવાના થશે અને 12.20ના સુમારે અયોધ્યા પહોંચશે. અયોધ્યાથી ફ્લાઇટ નંબર આઇએક્સ 1769 દિલ્હી માટે તે જ દિવસે 12.50ના સુમારે રવાના થશે અને દિલ્હી 14.10 કલાકે પહોંચશે. એર લાઇનના એમડી આલોકસિંઘે જણાવ્યું હતું કે,’ અયોધ્યા એરપોર્ટ ખુલ્લું મુકાતાં જ ફ્લાઇટ સંચાલન શરૂ કરતાં એર ઇન્ડિયા આનંદ અનુભવે છે.


