- વિશ્વમાં માર્ગ અકસ્માતોમાં દર વર્ષે 12 લાખથી વધુ મોત
- બે કરોડથી પાંચ કરોડ લોકો ઇજાગ્રસ્ત થાય છે : WHO
- માર્ગ અકસ્માતોમાં અડધાથી પણ વધુ પીડિતો રાહદારીઓ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે દુનિયામાં માર્ગ અકસ્માતોમાં દર વર્ષે 12 લાખથી વધુ લોકોના મોત થાય છે અને બે કરોડથી પાંચ કરોડ લોકો ઇજાગ્રસ્ત થાય છે. ઘણા ઇજાગ્રસ્તો વિકલાંગ પણ બને છે. માર્ગ અકસ્માતોના અડધાથી પણ વધારે પીડિતો રાહદારીઓ, સાઇકલસવારો તથા બાઇકર્સ હોય છે, જેના કારણે તેઓ ‘વલ્નરેબલ રોડ યૂઝર’ ગ્રૂપમાં સામેલ છે. દિલ્હી ટ્રાફિક પોલીસે રાજધાનીમાં વલ્નરેબલ રોડ યૂઝર્સને સમજવા માટે ડેટાનું વિશ્લેષણ કરતો ક્રેશ રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટમાં માર્ગ અકસ્માતોમાં મોત અને ઇજાઓ માટે જવાબદાર પરિબળો તેમજ દિલ્હીના માર્ગોને સુરક્ષિત બનાવવા માટે લઇ શકાય તેવા પગલાં પણ આવરી લેવાયા છે. રિપોર્ટ મુજબ રાહદારીઓ, સાઇકલસવારો તથા ટુ-વ્હીલર ચાલકોને સૌથી વધુ જોખમ એટલા માટે હોય છે કે માર્ગ અકસ્માતના કિસ્સામાં તેમની પાસે કાર કે હેવી વ્હિકલની જેમ અકસ્માતની અસરો ઘટાડે તેવું કોઇ રક્ષણાત્મક કવચ નથી હોતું. દિલ્હીમાં 2021માં માર્ગ અકસ્માતોમાં 1,239 લોકોના મોત થયા હતા અને 4,273 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે 2022માં 1,461 લોકોના મોત થયા હતા અને 5,201 ઇજાગ્રસ્ત થયા હતા.
કુલ મૃતકો પૈકી 43% રાહદારી, 38% બાઇકર્સ
દિલ્હીમાં માર્ગ અકસ્માતોમાં કુલ મોત પૈકી 43% લોકો રાહદારી જ્યારે 38% બાઇકર્સ હતા. આમ, કુલ 81% મૃતકો રાહદારી કે બાઇકર હતા. 78% ઇજાગ્રસ્તો પણ રાહદારી કે બાઇકર હતા. દિલ્હીમાં 2021માં માર્ગ અકસ્માતોમાં 504 રાહદારીના મોત થયા હતા અને 1,536 ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે 2022માં 629 રાહદારીના મોત થયા હતા અને 1,777 રાહદારી ઇજાગ્રસ્ત થયા હતા. બાઇકર્સની વાત કરીએ તો 2022માં દિલ્હીમાં માર્ગ અકસ્માતોમાં 552 બાઇકરના મોત અને 2,263 બાઇકર ઇજાગ્રસ્ત થયા હતા.
86% મૃતકો 18 વર્ષ કે તેથી વધુ વયના પુરુષો
દિલ્હીમાં 2022માં માર્ગ અકસ્માતોના મૃતકો પૈકી 92 ટકા પુરુષો હતા અને તેમાંથી 86 ટકા લોકો 18 વર્ષ કે તેથી વધુ વયના હતા. સૌથી વધુ મોત 40 વર્ષથી વધુ વયના પુરુષો-સ્ત્રીઓના થયા. ઇજાગ્રસ્તોમાંથી 74 ટકા 18 વર્ષથી ઓછી વયના બાળકો-કિશોરો જ્યારે 26 ટકા 18 વર્ષથી ઓછી વયની બાળકીઓ-કિશોરીઓ હતી.


