- ભારત-મ્યાંમાર સરહદે ફુલપ્રૂફ સુરક્ષા માટે કેન્દ્રનો મોટો નિર્ણય
- સરહદે પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા માટે પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવાશે
- મણિપુરના મોરેહમાં 10 કિ.મી. ક્ષેત્રમાં પહેલેથી ફેન્સિંગ થઇ ચૂક્યું છે
નરેન્દ્ર મોદી સરકારનો બીજો કાર્યકાળ ટૂંક સમયમાં પૂરો થવાનો છે પરંતુ આગામી લોકસભા ચૂંટણી પૂર્વે વડાપ્રધાન મોદીએ ભારત-મ્યાંમાર સરહદે ફુલપ્રૂફ સુરક્ષા માટે મોટો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત મ્યાંમાર સાથેની 1,643 કિલોમીટર લાંબી સરહદ પર તારની વાડ લગાવવામાં આવશે. મ્યાંમાર સરહદે સ્થિતિ પર ચાંપતી નજર રાખવા પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવાશે. ભારત-મ્યાંમાર સરહદની કુલ લંબાઇ પૈકી મણિપુરના મોરેહમાં 10 કિ.મી. ક્ષેત્રમાં પહેલેથી ફેન્સિંગ થઇ ચૂક્યું છે.
મ્યાંમાર સરહદે ફેન્સિંગ ઉપરાંત અરુણાચલપ્રદેશ અને મણિપુરમાં હાઇબ્રિડ સર્વેલન્સ સિસ્ટમના માધ્યમથી ફેન્સિંગ માટે બે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાશે. બંને રાજ્યમાં દર એક કિ.મી.ના અંતરે હાઇબ્રિડ સર્વેલન્સ સિસ્ટમથી ફેન્સિંગ કરાશે. મણિપુરમાં 20 કિ.મી. સુધી ફેન્સિંગ માટેના કામને મંજૂરી પણ આપી દેવાઇ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થઇ જશે.
સિમિ, PFI સહિત 17 સંગઠનો ગેરકાયદે જાહેર
સિમિ, પીએફઆઇ અને ઉલ્ફા સહિત 17 સંગઠનોને ગૃહ મંત્રાલયે અનલૉફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ (યુએપીએ) હેઠળ ગેરકાયદે સમૂહ જાહેર કરેલા છે. ઉપરાંત નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ, મૈતી સંગઠનો, ઓલ ત્રિપુરા ટાઇગર ફોર્સ, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા, એલટીટીઇ, ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન, રિહેબ ઇન્ડિયા ફાઉન્ડેશન, કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા, સહિતના સંગઠનોનો સમાવેશ થાય છે.


