- 2022ના કેલેન્ડર વર્ષમાં આ ત્રણેને 475.40 કરોડનું ચુકવણું
- ઑટો સેક્ટરમાં મેગા-ઇનોવેટિવ પોલિસી હેઠળ સહાયની વિગતો ગૃહમાં જાહેર
- મેગા ઉદ્યોગ પોલિસી ઑટો સેક્ટર, શિપ બિલ્ડિંગ- બ્રેકિંગ, સેમિ કન્ડક્ટર જેવી કંપનીઓને લાગુ પડે છે
ગુજરાત સરકારે ઑટોમોબાઈલ ક્ષેત્રે મેગા-ઇનોવેટિવ ઉદ્યોગોને સહાય કરવાની પોલિસી હેઠળ અત્યાર સુધી ત્રણ એકમોને કુલ રૂ. 1,806.46 કરોડની જંગી સહાય ચૂકવી છે. આ એકમોમાં સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ ચીનની કંપની એમજી મોટર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તથા હીરો મોટો કોર્પ લિમિટેડ સામેલ છે. આ પોલિસી હેઠળ રૂ.1 હજાર કરોડથી વધુ મૂડીરોકાણ ધરાવતા અને 2 હજારથી વધુ માણસોને રોજગારી આપતા મેગા ઉદ્યોગોને સહાય ચૂકવાય છે. વિધાનસભામાં ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે ધારાસભ્યો દ્વારા પુછાયેલા પ્રશ્નોના ઉત્તરમાં આ વિગતો આપી હતી. મેગા ઉદ્યોગ પોલિસી ઑટો સેક્ટર, શિપ બિલ્ડિંગ- બ્રેકિંગ, સેમિ કન્ડક્ટર, વિમાન-હેલિકોપ્ટરના મેઇનટેઇનન્સ-એમઆરઓ જેવી કંપનીઓને લાગુ પડે છે.


