- થર્ટી ફર્સ્ટ પૂર્વે બુટલેગર તત્ત્વો સક્રિય
- એલસીબીની ટીમે બાતમીના આધારે ચોટીલા હાઈવે પર વોચ ગોઠવી
- વિદેશી દારૂની 500 પેટી કબજે કરી તપાસ આદરી
એલસીબીની ટીમે બાતમીના આધારે સાયલા-ચોટીલા હાઈવે પરના આયા બોર્ડ પાસેથી ગેસના ટેન્કરમાં છૂપાવીને લવાયેલ વિદેશી દારુનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. દારૂની હેરાફેરીનો પોલીસે પર્દાફશ કરવા સાથે આરોપી ચાલકને દબોચી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 31મી ડીસેમ્બરને લઇ બુટલેગરો દ્વારા યેનકેન પ્રકારે પરપ્રાંતમાંથી ગેરકાયદે દારુ ઘુસાડવાની પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવાના ભાગરૂપે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે.લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમના પી.આઇ વી.વી.ત્રિવેદી તેમજ સ્ટાફ્ના લક્ષ્મણસિંહ ઝાલા, એસ.વી. દાફ્ડા, કુલદીપભાઇ બોરીચા, કરશનભાઇ લોહ સહીતનાઓ સાયલા હાઇવે પર પેટ્રોલિંગમાં હતા. તે સમયે ખાનગી બાતમીના આધારે આયા બોર્ડ પાસે હોટેલમાં પડેલા એક એલપીજી ગેસ લખેલા ટેન્કરની તલાસી લેતા તેના ખાનાઓમાં છુપાવેલો વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમે સ્થાનિક પોલીસનેને અંધારામાં રાખી ધોળા દિવસે ખેલ પાડી દેવા સાથે ઝડપેલા દારુના મબલક જથ્થા સાથે ટેન્કર ચાલક અને આરોપી એવા બરખાસીંગ બળદેવસીંગ સરદારજીને ઝડપી લીધો હતો. બુટલેગરો દ્વારા પોલીસની આંખમાં ધુળ નાખવા માટે હોટલ પર પડેલું ગેસનું ટેન્કર અમદાવાદ તરફ્ મોં કરીને રાખેલ હતું. જે કદાચ વાયા આયા બોર્ડ થઇ મુળી, થાન કે સાયલાના અંતરિયાળ વિસ્તારોમાં લઇ જવા માટે રખાયું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાંચ દ્વારા પકડેલ ટેન્કરમાં ઉપરના ભાગેથી માલ ભર્યો હોવાથી પહેલી નજરે કોઇને શંકા જાય તેમ પણ નહોંતું. સાંજના સમયે ટેન્કરને સાયલા પોલીસ સ્ટેશન લવાતા આશરે છસ્સો પેટીથી વધુ ઈંગ્લીશ દારુનો જથ્થો હોવાનું મનાય રહ્યું છે.


