જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ કરેલા આતંકવાદી હુમલામાં 26થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાની આશંકા છે અને અનેક લોકો ઘાયલ પણ થયા છે. ત્યારે આ આતંકી હુમલામાં એક ગુજરાતીનું પણ મોત થયું છે. સુરતના હિંમતભાઈ કાલાઠીયાનું પહલગામમાં મોત થયું છે. ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓ જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા છે.
પહલગામમાં ભાવનગરના 2 લોકો લાપતા
બીજી તરફ ગુજરાતના 2 પ્રવાસીઓ પણ ગુમ થયા હોવાની જાણકારી મળી રહી છે. પહલગામમાં ભાવનગરના 2 લોકો હજુ પણ લાપતા છે. યતિષ પરમાર અને સ્મિત પરમારની કોઈ જાણકારી અત્યાર સુધી પ્રાપ્ત થઈ નથી. આ બંને પિતા-પુત્રનો સંપર્ક થઈ શક્યો નથી. ઘટનાસમયે ભાવનગરના 19 પ્રવાસીઓ પહલગામમાં હતા. ત્યાં મોરારી બાપુની કથામાં આ 19 પ્રવાસીઓ ગયા હતા. 19 માંથી 2 પ્રવાસીઓ હાલમાં ગુમ છે અને તેમની કોઈ જાણકારી મળી રહી નથી.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું
તમને જણાવી દઈએ કે ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે આતંકી હુમલાની ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ અને કહ્યું કે કે ઉષા અને હું ભારતના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. છેલ્લા કેટલાક દિવસોમાં, અમે આ દેશ અને તેના લોકોની સુંદરતાથી અભિભૂત થઈ ગયા છીએ. ત્યારે આ ભયાનક હુમલાના સમાચાર સાંભળીને શોકમાં છે.