- સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારનું 1 વર્ષ
- ગુજરાતના વિકાસ માટે અનેક નિર્ણયો લેવાયા
- નવા ક્ષેત્રોમાં પણ ગુજરાત આગળ વધે તે માટેના પ્રયાસ
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકેની છાપ ઉભી કરનારા ભૂપેન્દ્ર પટેલના નૃતત્વવાળી રાજ્ય સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યા છે અને વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. સરકારનું એક વર્ષ પૂર્ણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્વિટર(X) પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં તેમણે જણાવ્યું છેકે, ગુજરાતના નાગરિકોની સેવામાં આજે વર્તમાન રાજ્ય સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગત એક વર્ષમાં ગુજરાત સરકારે સમાજના પ્રત્યેક વર્ગના ઉત્કર્ષ માટે અને રાજ્યના સર્વાંગીણ, સર્વસ્પર્શી વિકાસ માટે નિષ્ઠાપૂર્ણ પ્રયાસો હાથ ધર્યા છે.
તેમણે વધુમાં લખ્યું છેકે,આયુષ્માન કાર્ડ હેઠળ રૂ. 10 લાખ સુધીની નિ:શુલ્ક આરોગ્ય સારવાર હોય કે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિક ભાઈબહેનોને રૂ. 5 માં ભરપેટ પૌષ્ટિક ભોજન આપવાની વાત હોય, સરકારે પ્રત્યેક નિર્ણય ગરીબ-વંચિત પરિવારોના હિતને કેન્દ્રમાં રાખીને કર્યા છે. ગત એક વર્ષમાં સેમીકન્ડક્ટર, ઈવી, ગ્રીન હાઈડ્રોજન, બાયોટેક્નોલોજી સહિતના ન્યૂ-એજ સેક્ટર્સમાં ગુજરાતે ઉદાહરણીય પહેલ કરી છે.
તેવી જ રીતે, “બેક ટુ બેઝિક્સ” ના મંત્ર સાથે પ્રાકૃતિક ખેતી અને અન્નનો વ્યાપ વધારવાની દિશામાં આપણે તેજ ગતિથી આગળ વધ્યા. G20 ની મહત્ત્વની બેઠકોનું સફળતાપૂર્વક આયોજન તેમજ વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ‘સમિટ ઑફ સક્સેસ’ તરીકે ઉજવણી કરીને દેશ અને દુનિયાનું ધ્યાન આપણે ગુજરાત તરફ આકર્ષિત કર્યું છે. પ્રધાનમંત્રીએ આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનું લક્ષ્ય રાખ્યું છે ત્યારે આવનાર સમયમાં આ લક્ષ્યને સિદ્ધ કરવામાં વિકસિત ગુજરાતના નિર્માણ થકી આપણે શ્રેષ્ઠ યોગદાન આપીશું તેવો મને વિશ્વાસ છે.
આ એક વર્ષ દરમિયાન ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસલક્ષી અને પ્રજાલક્ષી કાર્યો પર નજર ફેરવીએ તો ગુજરાતના ગરબાને યુનેસ્કોની ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસો’ (ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ -ICH)ની લિસ્ટમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા. ધોરડોને સંયુક્ત રાષ્ટ્ર તરફથી વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજનું સન્માન પ્રાપ્ત થયું. બેચરાજીના સંપૂર્ણ વિકાસ માટે ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચના કરવામાં આવી. રાજ્યના શહેરોમાં ઇઝ ઓફ લિવિંગ વધારાવાના આશય સાથે આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે 8 મહાનગરપાલિકા અને 12 નગરપાલિકાઓમાં વિકાસ કામ માટે 674 કરોડ રૂપિયાના કુલ 594 કામો મંજૂર કર્યાં.
લાખ જેટલા નવા નળ કનેક્શન અપાયા. અમરેલી ખાતે જનભાગીદારીથી જળ મહોત્સવની શરૂઆત કરી. રિન્યુએબલ પોલિસી 2023ની જાહેરાત કરી. ગ્રીન ઉર્જાને પ્રોત્સાહનની દિશામાં નવી હાયડ્રોજન પોલિસીની જાહેરાત કરી.જૂનાગઢમાં નવીનીકરણ થયેલા ઉપરકોટના કિલ્લાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઓલિમ્પિકસ 2036ના યજમાન બનવાની ગુજરાતે પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી. શહેરો અને ગામડાઓમાં સ્વચ્છતા માટે જાગૃતિ કેળવાય તે માટે ખાસ સ્વચ્છતા ઝુંબેશ સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના વધુ ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવી.
રાજ્યની 157 નગરપાલીકાઓને રોડ રીસર્ફેસીંગ માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. શહેરી વિકાસ સત્તા મંડળ હેઠળ આવતા 5 જિલ્લાઓમાં ડોર ટૂ ડોર કલેક્શન માટેની કામગીરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. રાજ્યની 20 નગરપાલિકાઓમાં મોડેલ ફાયરસ્ટેશનને મંજૂરી આપવામાં આવી. પી.એમ. સ્વનિધિ અંતર્ગત 4,31,823 ફેરિયાઓને લોન આપવામાં આવી. સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ રોકવા કડકમાં કડક સજાનું વિધેયક લાવીને સરકાર યુવાનોના ભવિષ્યને ધૂંધળું થતું અટકાવવા પ્રતિબદ્ધ બની છે. માતૃભાષાને પ્રોત્સાહન આપવા ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરતો કાયદો બનાવ્યો. 2400થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ગુજરાતમાં અમૃત સરોવરોના નિર્માણની 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી.
કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર રાજ્ય નીતિ આયોગની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. વાયબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ‘સમિટ ઓફ સક્સેસ’ તરીકે ઉજવણી કરી. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે રાજ્યના 32 જિલ્લાઓમાં યોજાયો વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યા. વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત ₹25,147 કરોડના રોકાણો માટે 2,590 એમ.ઓ.યુ. સંપન્ન થયા. ગુજરાત મેમરી ચીપ્સનું ઉત્પાદન કરતું ભારતનું પ્રથમ રાજ્ય બનશે.


