- આગામી 48 કલાકમાં ખીણમાં મધ્યમથી ભારે હિમવષાની આગાહી
- પહેલગામના રિસોર્ટમાં શનિવારે માઇનસ 8.3 ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી તાપમાન નોંધાયું
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષાનું એલર્ટ
હિમાલયના પહાડોમાં હિમાચલ પ્રદેશથી લઈને કાશ્મીર સુધી ફ્રેશ બરફવર્ષા થઈ રહી છે. ફ્રેશ હિમવર્ષાથી કાશ્મીરના ભાગો-ગુલમર્ગમાં માઇનસ 10.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર શ્રીનગર શહેર સહિત કાશ્મીરના કેટલાક ભાગોમાં શનિવારે ફ્રેશ હિમવર્ષા નોંધાઈ હતી. દરમિયાન હવામાન ખાતાએ આગામી 48 કલાકમાં ખીણમાં મધ્યમથી ભારે હિમવર્ષા થવાની આગાહી પણ કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં શનિવારે વહેલી સવારે ભારે બરફ પડયો હતો. દિવસ દરમિયાન ખીણના મેદાનોમાં પણ હિમવર્ષા નોંધાઈ હતી. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં મોટાભાગના સ્થળોએ દિવસનું તાપમાન શૂન્યથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. દક્ષિણ કાશ્મીરમાં પહેલગામ ટૂરિસ્ટ રિસોર્ટ કે જે અમરનાથ યાત્રા માટે બેઝ કેમ્પ તરીકે પણ કામ કરે છે ત્યાં શનિવારે માઇનસ 8.3 ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષાનું એલર્ટ
દેશના ઉત્તરીય રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે બરફ વર્ષાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર રવિવારે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે તેને પગલે આ રાજ્યોમાં બરફવર્ષા નોંધાશે. આ ઉપરાંત આઠ રાજ્યો-મધ્યપ્રદેશ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, લદાખ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં શનિવાર બાદ રવિવારે પણ કરા પડવાની આગાહી છે. આ આઠ રાજ્યોમાં લઘુતમ તાપમાન સાતથી 10 ડિગ્રી વચ્ચે છે. દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળમાં શનિવારે સવારે ગાઢ ધુમ્મસ સાથે કડકડતી ઠંડી નોંધાઈ હતી.
નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં વરસાદ નોંધાયો
બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં શનિવારે વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અરુણાચલપ્રદેશ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં અનેક સ્થાનો પર વરસાદ નોંધાયો હતો. જો કે શનિવારે દક્ષિણના રાજ્યોમાં હવામાન સાફ રહ્યું હતું અને ઠંડીની અસર પણ નહિવત્ જણાઈ હતી.


