- પૂરપાટ વેહે વાહન ચલાવવાની જીદે અનેક લોકોનાં જીવ લીધા
- બસ સીધી ખીણમાં ખાબકતા ઘટનાસ્થળે જ લોકોનાં મોત થયા
- સ્થાનિક લોકોએ બચાવ કામગીરી કરી લોકોને હોસ્પિટલ ખસેડયા
પાકિસ્તાનમાં પૂરપાટ વેગે વાહન ચલાવવાની જીદે અનેક લોકોનાં જીવ લઈ લીધા છે. પહાડો પરથી પસાર થઈ રહેલી એક બસ રાત્રિના અંધકારમાં તેજ ગતિથી આગળ વધી રહી હતી. એક વળાંક પર અચાનક બસના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. આ પછી બસ પલટી ગઈ અને સીધી ખાઈમાં પડી. બસ કાબૂ બહાર જતાં જ તેમાં બેઠેલા લોકોમાં હોબાળો મચી ગયો હતો. કેટલાક લોકો સમજી શકે ત્યાં સુધીમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાત્રીના સમયે થયેલા અકસ્માતને કારણે મદદ માટે લોકો સુધી પહોંચવામાં વિલંબ થયો હતો. સ્થાનિક લોકોની મદદથી કોઈક રીતે લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોમાં ઘણાની હાલત નાજુક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટના બુધવારે રાત્રે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં થઈ હતી. એક સ્પીડિંગ બસ ખાઈમાં પડી જતાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી. બસ હરિપુર જિલ્લાના ખાનપુરથી પહાડી ગામ તરફ જઈ રહી હતી ત્યારે તરનાવા ખાતે અકસ્માત સર્જાયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે વધુ ઝડપને કારણે એક વળાંક પર ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ ઊંડી ખીણમાં પડી હતી. મૃતકોમાં પુરુષો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. બચાવ વાહનો અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલ મુસાફરોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને હરિપુર જિલ્લાના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.


