- વિદ્યાર્થીઓ શિક્ષણમાં જિંદગીભર પાછળ રહી જાય તેવી સ્થિતિ
- આચાર્યોની જગ્યા વહેલી ભરાશે પણ સમયગાળો નક્કી નહીં!
- ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરની 7347 જગ્યાઓ મંજૂર થયેલી છે
ગુજરાતમાં આઈટીઆઈ એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આચાર્ચ વર્ગ-1ની 48 મંજૂર થયેલી જગ્યાઓ છે, જે પૈકી 31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ 38 જગ્યાઓ ભરેલી છે જ્યારે 10 જગ્યાઓ ખાલી છે. એ જ રીતે સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરની 1471 જગ્યાઓ હજુ સુધી ભરી શકાઈ નથી. ગુજરાત વિધાનસભા ગૃહમાં સોમવારે એક લેખિત સવાલના જવાબમાં શ્રામ, કૌશલ્ય વિકાસ અને રોજગાર બાબતોના મંત્રીએ આ માહિતી આપી હતી.
ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરની 7347 જગ્યાઓ મંજૂર થયેલી છે, જે પૈકી 5876 જગ્યાઓ 31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ ભરાયેલી છે જ્યારે 1471 જગ્યાઓ હજુ પણ ખાલી છે. આ જગ્યાઓ ક્યાં સુધી ભરી દેવામાં આવશે તેવા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ આ જગ્યાઓ ભરવામાં આવશે, આઈટીઆઈમાં આચાર્યોની ખાલી જગ્યાના સંદર્ભમાં એવો પ્રત્યુત્તર અપાયો છે કે, આ જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે, અલબત્ત, આ માટેનો ચોક્કસ સમય ગાળો દર્શાવવામાં આવ્યો નથી. એક તરફ એવી પણ પસ્તાળ પડી રહી છે કે, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ખાલી જગ્યાઓના કારણે વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી છે. આ સંદર્ભે સરકારે નક્કર કાર્યવાહી કરવી જરૂરી છે. ગુજરાતમાં સરકારી આઈટીઆઈ જ નહિ પરંતુ સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ શિક્ષકોની મોટા પાયે ઘટ વર્તાઈ રહી છે, જેના કારણે બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે. ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે બદતર સ્થિતિ છે. શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણ મામલે જિંદગીભર પાછળ રહી જાય છે. તાજેતરમાં જ આંકડા સામે આવ્યા હતા કે, ગુજરાતમાં 1600થી વધુ સરકારી પ્રાથમિક શાળા એવી છે જે એક જ શિક્ષકથી ચાલે છે.


