રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર
મુખ્યમંત્રીના હસ્તે આવતીકાલે રૂ.૭૫૧.૧૯ કરોડના ૪પ પ્રકલ્પોનું લોકાર્પણ : ખાતમુર્હુત : જંગલેશ્વરમાં રસ્તામાં ભરાતા પાણીની સમસ્યાથી મળશે મુકિત : સ્લેબ કલ્વર્ટ બનાવવાનો પ્રારંભ થશે : RTOની નવી ઓફિસ અને ટ્રેકને ખૂલ્લો મૂકાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના સર્વાંગી અને સુસંગત વિકાસને વધુ વેગ આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૮/૦૩/૨૦૨૬ને શનિવારના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે, પૂજ્ય પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાનાર છે. શહેરના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, પાણી વ્યવસ્થાપન મજબૂત બનાવવા, ડ્રેનેજ સુવિધા વિસ્તૃત કરવા, માર્ગ અને પ્રકાશ વ્યવસ્થા સુધારવા તેમજ નાગરિક સુવિધાઓ વધારવા માટે કુલ રૂ. ૭૫૧.૧૯ કરોડના ૪૫ વિવિધ પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં મંત્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, પ્રોટોકોલ, ગુજરાત સરકાર તથા રાજકોટ જીલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષા મંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ગુજરાત સરકારના દર્શનાબેન વાઘેલા, રાજકોટના સંસદસભ્ય પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ગરિમામય ઉપસ્થિતિ રહેશે.
વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા કુલ રૂ.૨૦૭.૩૧ કરોડના ૫ મહત્વપૂર્ણ, આવાસ, પાણી અને સુએજ વ્યવસ્થાપન સંબંધિત પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રકલ્પો શહેરમાં વધતી વસ્તી અને વિસ્તરતા વિસ્તારમાં આધુનિક સુએજ ટ્રીટમેન્ટ અને પાણી સંગ્રહ સુવિધા મજબૂત બનાવશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્લોટમાં રેલનગર વિસ્તારમાં રૂ. ૧૧૯.૦૫ કરોડના ખર્ચે ટી.પી. ૧૯ (રાજકોટ)માં કુલ ૨૫૦૭૧.૧૫ ચો.મી. ક્ષેત્રફળના બે પ્લોટમાં EWS- II પ્રકારના ૧૦૧૦ આવાસો તથા ૪૭ દુકાનોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવેલ છે.
વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. ૩૩.૩૦ કરોડના ખર્ચે રૈયાધાર ખાતે હાલના ૫૬ MLD STP પાસે ૨૩ MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ પ્રકલ્પમાં ૫ વર્ષ માટે કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ કાર્યરત થતા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ ક્ષમતા વધશે તથા પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ બનશે.
વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. ૩૦.૮૫ કરોડના ખર્ચે ઘંટેશ્વર વિસ્તાર માટે ૧૫ MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. સાથે ૫ વર્ષ માટે કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રકલ્પથી નવા વિકસતા વિસ્તારોમાં સુએજ નિકાલની સુવિધા સુવ્યવસ્થિત બનશે.
વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. ૧૫.૮૧ કરોડના ખર્ચે ઘંટેશ્વર વિસ્તારમાં સીવેજ પમ્પીંગ સ્ટેશન-૧ અને સીવેજ પમ્પીંગ સ્ટેશન-૨ બનાવવામાં આવ્યા છે. સાથે રાઈઝીંગ મેઈન પાઈપલાઈન નાખવાની કામગીરી, પમ્પીંગ મશીનરી SITC તેમજ પમ્પીંગ સ્ટેશન માટે ૨ વર્ષના કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો સમાવેશ થાય છે. આ પ્રકલ્પથી વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થા વધુ અસરકારક બનશે.
વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. ૮.૨૭ કરોડના ખર્ચે રેલનગર હેડવર્ક્સ ખાતે ૧૩૯ લાખ લીટર ક્ષમતાનો ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોઇર (GSR) બનાવવામાં આવ્યો છે. આ પ્રકલ્પથી પાણી સંગ્રહ ક્ષમતા વધશે અને શહેરના વિસ્તારોમાં પાણી પુરવઠો વધુ સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ બનશે.
શહેરના વિવિધ વિસ્તારોમાં નવા વિકાસકાર્યો હાથ ધરવા માટે કુલ રૂ. ૫૪૩.૮૯ કરોડના ૪૦ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો વિવિધ વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવશે.
બાંધકામ વિભાગ દ્વારા શહેરના માર્ગો, નગર સુવિધાઓ, જાહેર ઈમારતો તથા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે રૂ. ૩૬૮.૦૧ કરોડના કુલ ૨૯ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામો પૂર્ણ થતા શહેરના માર્ગ નેટવર્કમાં સુધારો થશે તથા નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે.
વોટર વર્કસ પ્રોજેક્ટ વિભાગ દ્વારા પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા રૂ. ૧૭૩.૧૭ કરોડના ૭ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો પૂર્ણ થતા નવા વિસ્તારોમાં પાણી પુરવઠો સુધરશે તથા હાલની વ્યવસ્થામાં ક્ષમતા વધારો થશે.
ડ્રેનેજ વિભાગ દ્વારા રૂ. ૧.૯૬ કરોડના ૩ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ સુવિધા વધુ મજબૂત બનશે અને વરસાદી પાણી તથા ગટર વ્યવસ્થામાં સુધારો થશે.
રોશની વિભાગ દ્વારા રૂ. ૭૫ લાખના ૧ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પથી શહેરના માર્ગો તથા જાહેર સ્થળોએ પ્રકાશ વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે.
આ તમામ પ્રકલ્પો પૂર્ણ થતા શહેરમાં પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનશે, સુએજ ટ્રીટમેન્ટ ક્ષમતા વધશે, ડ્રેનેજ નેટવર્ક વિસ્તરશે, માર્ગ સુવિધાઓમાં સુધારો થશે તેમજ નાગરિકોને આધુનિક નગર સુવિધાઓ ઉપલબ્ધ બનશે. ઉપરાંત શહેરના વિસ્તરતા વિસ્તારોમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થશે જે ભવિષ્યના આયોજન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.


