- રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે 108ની સરાહનીય કામગીરી
- ગુજરાતમાં 2007માં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઇ હતી
- 1.62 કરોડથી વધુ લોકોએ 108ની સેવાનો લાભ લીધો
છેલ્લા 29 દિવસથી રાજ્યભરમાં પડી રહેલા ભારે વરસાદની વચ્ચે પણ 108 એમ્બ્યુલન્સ સેવાની ઊડીને આંખે વળગે એવી કામગીરી જોવા મળી રહી છે. છેલ્લા 29 દિવસમાં જ 1 લાખ 14 હજારથી વધુ દર્દીઓ માટે 108 એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થઇ છે.
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે 108ની સરાહનીય કામગીરી
108ના સ્ટાફે કર્તવ્યનિષ્ઠા એવી ઉત્તમ રીતે નિભાવી છે કે આજે પણ ગુજરાતના કોઈ પણ ખૂણે આરોગ્યની મુસીબતની પળોમાંથી પસાર થઇ રહેલા લોકોને સંકટની ઘડીએ જ્યારે ઘરના આંગણે તાબડતોડ 108 આવીને ઊભી રહે છે ત્યારે રાહતનો અહેસાસ થાય છે અને દિલમાંથી શબ્દો નીકળે છે કે હાશ! 108 આવી ગઇ, હવે વાંધો નહી આવે.
ગુજરાતમાં 2007માં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઇ હતી
ગુજરાતમાં આકસ્મિક પરિસ્થિતિમાં જીવાદોરી સમાન 108ની સેવાથી રાજ્યના તમામ નાગરિકો વાકેફ છે. અકસ્માત, કુદરતી કે કૃત્રિમ આફતો વખતે માનવ જીવોના સંરક્ષણ માટે 108એમ્બ્યુલન્સની સેવા ખૂબ ઝડપી અને સંજીવની સમાન મનાય છે. ગુજરાતમાં 2007માં તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી. આ 108ની નિ:શુલ્ક સેવા આજે રાજ્યમાં આપાતકાલિન સ્થિતિમાં સંજીવની સમાન ગણાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 800થી વધુ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત-દિવસ કાર્યરત છે. આ ઉપરાંત બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
1.62 કરોડથી વધુ લોકોએ 108ની સેવાનો લાભ લીધો
108 જીવીકે ઈએમઆરઆઇના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશંવત પ્રજાપતિના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલના સમયમાં સમગ્ર રાજ્યના તમામ ૨૫૭ તાલુકા, ૧૮ હજાર જેટલાં ગામો, ૩૩ જિલ્લાઓ અને મહાનગરો સહિત તમામ જગ્યાએ આ 108ની સેવાનું માળખું ફેલાયેલુ છે. ગણતરીની મિનિટમાં ઘટનાસ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત, બીમાર કે ભોગ બનનાર વ્યક્તિ કે વ્યક્તિઓને પ્રાથમિક સારવાર પૂરી પાડવાનું કામ કરે છે. સગર્ભાઓને પ્રસૂતિ દરમિયાન ઝડપી ઘર સુધી પહોંચી મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું અને તેને પીડાવિહીન પ્રસૂતિ કરાવવામાં આ 108ની સેવા ખૂબ મદદરૂપ બની છે.
રાજ્યમાં 108ની એમ્બ્યુલન્સ સેવા શરૂ થયાથી આજ સુધીમાં 1.62 કરોડથી વધુ લોકોએ આ 108 એમ્બ્યુલન્સની સેવાનો લાભ લીધો છે. રાજ્યમાં ખૂબ ગંભીર પરિસ્થિતિમાં 108ના કર્મીઓની સમયસરની સેવાના કારણે 15.37 લાખ લોકોના જીવ બચાવવાનું મહામૂલું કાર્ય પણ થયું છે, તો 1.42 લાખથી વધુ મહિલાઓને સુખરૂપ પ્રસૂતિ પણ કરાવી શકાઇ છે. હાલમાં અંદાજે 4 હજારથી વધુ 108 કર્મીઓ સેવા આપી રહ્યા છે. અદ્યતન સુવિધાઓ અને હાઇ ટેક્નોલોજીથી સજ્જ આ 108 એમ્બ્યુલન્સ વાનના કારણે સમયસર કોલના સ્થળ પર પહોંચવામાં અને સતત મોનિટરિંગ કરવાના કારણે આ સેવા ખૂબ ઝડપી અને લોકોને પ્રાથમિક સારવાર આપવાથી માંડી તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલ સુધી પહોંચાડવા સહિતની કામગીરી કરે છે.
108 મોબાઇલ એમ્બ્યુલન્સ વાનમાં ખૂબ અદ્યતન ટેક્નોલોજીની વ્યવસ્થા
108 મોબાઇલ એમ્બ્યુલન્સ વાનમાં ખૂબ અદ્યતન ટેક્નોલોજીની વ્યવસ્થા, મેડિકલનાં સાધનો, દવાઓ, મશીનો અને વેન્ટિલેટર – ઓક્સિજન સહિતની સેવા અને ટ્રેનિંગબદ્ધ સ્ટાફ હોવાના કારણે પીડિત વ્યક્તિને તત્કાલિન સેવા મળી રહે છે. સમયસર સારવાર મળવાના કારણે વ્યક્તિનો જીવ પણ બચાવી શકાય છે. ટેક્નોસેવી વ્યવસ્થાથી સજ્જ આ સેવાને વધુ પ્રભાવશાળી બનાવવા માટે 108 ગુજરાત મોબાઇલ એપ પણ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર 108 સેવાનું મોનિટરિંગ માટેનું ઇમરજન્સી મોનિટરિંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટર, અમદાવાદથી સંચાલિત થાય છે, જ્યાં રોજના અંદાજે 7000થી 7500 જેટલા કોલ્સ લેવામાં આવે છે.
ખરેખર, રાજ્યમાં આરોગ્યની સેવાને ખૂબ ઝડપી ઘર ઘર સુધી પહોંચાડવામાં 108 એમ્બ્યુલન્સ સેવા પીડિતને નવજીવન બક્ષનાર દેવદૂત સમાન બની ગઇ છે. ઈમરજન્સીના કેસમાં 108 એમ્બ્યુલન્સ સર્વિસ સંજીવની સમાન સાબિત થઈ છે, જે રાજ્ય સરકારની એક મોટી સફળતા છે.


