- 57.25 કરોડ લોકોએ તેમનાં પાનકાર્ડ આધાર સાથે લિંક કરાવ્યાં છે
- સરકાર દ્વારા 30 જૂન લિંક કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી
- 12 કરોડથી વધુ પાનકાર્ડધારકોએ આધારકાર્ડ સાથે તેમનાં પાન નંબર લિંક કરાવ્યા નથી
આધારકાર્ડ સાથે પાનકાર્ડને લિંક કરવાની ડેડલાઇન ચૂકી ગયેલા 11.5 કરોડ પાનકાર્ડને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. RTI હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સેન્ટ્ર્લ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા ઉપર મુજબ માહિતી આપવામાં આવી હતી. સરકાર દ્વારા 30 જૂન સુધીમાં આધાર નંબરને પાનકાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. જે પાનકાર્ડ ધારકોએ 30 જૂન પછી તેમનાં પાનકાર્ડ આધાર સાથે લિંક નથી કરાવ્યા તેવા 11.5 કરોડ પાન કાર્ડને ડીએક્ટિવેટ કરવાની કાર્યવાહી કરાઈ છે. ભારતમાં કુલ 70.24 કરોડ પાનકાર્ડધારકો છે જે પૈકી 57.25 કરોડ લોકોએ તેમનાં કાર્ડને આધાર સાથે લિંક કરાવ્યા છે. હજી 12 કરોડથી વધુ પાનકાર્ડધારકોએ આધારકાર્ડ સાથે તેમનાં પાન નંબર લિંક કરાવ્યા નથી. તેમાંથી 11.5 કરોડ પાનકાર્ડને ડીએક્ટિવેટ કરાયા છે.
નવા પાનકાર્ડ આધાર સાથે ઓટોમેટિક લિંક થશે
નવા પાનકાર્ડ આરજદારો જ્યારે અરજી કરે ત્યારે તે તબક્કે જ તેમનાં આધાર અને પાનકાર્ડ ઓટોમેટિક લિંક થઈ જશે. જે લોકોને 1 જુલાઈ 2017 પહેલાં પાનકાર્ડ આપવામાં આવ્યા છે તેવા પાનકાર્ડધારકો માટે તેમનાં પાન નંબરને આધાર સાથે લિંક કરાવવાનું ફરજિયાત છે. આઈટીની કલમ 139 AA સબ સેક્શન (2) મુજબ જુલાઈ, 2017 પહેલા પાનકાર્ડ આપવામાં આવ્યા છે તેમણે આધાર અને પાનકાર્ડ લિંક કરાવવા પડશે.