- કેન્દ્રીય મંત્રીએ દિલ્હીના સીએમ કેજરીવાલને ભ્રષ્ટાચારી અને નાટકિયા ગણાવ્યા
- કેજરીવાલે અત્યાર સુધી એકપણ સમન્સનો જવાબ પણ નથી આપ્યો
- તેને લઇને ભાજપ કેજરીવાલ પર શાબ્દિક પ્રહારો કરી રહ્યો છે
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હી લીકર પોલિસી કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી) દ્વારા પાંચ વાર સમન્સ મોકલી ચૂકી છે. જો કે કેજરીવાલે અત્યાર સુધી એકપણ સમન્સનો જવાબ પણ નથી આપ્યો અને જવાબ આપવા માટે ઈડીની કચેરીએ પણ નથી પહોંચ્યા. તેને લઇને ભાજપ કેજરીવાલ પર શાબ્દિક પ્રહારો કરી રહ્યો છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ મીનાક્ષી લેખીએ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાંથી બોધપાઠ લેવાની શિખામણ આપી છે. લેખીએ મંગળવારે જણાવ્યું હતું કે મોદીજી (જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા) 12 કલાક સુધી બેસીને એજન્સીઓના સવાલોના જવાબ આપતા હતા. એક સ્પેશિયલ ટીમે આ દરમિયાન સીએમ નરેન્દ્ર મોદીની પૂછપરછ કરી હતી. લેખીએ ઉમેર્યું હતું કે તપાસ એજન્સીઓનો સામનો આ રીતે જ કરી શકાય… કેજરીવાલની માફક ભ્રષ્ટાચાર અને નાટક કરીને નહીં.


