- 416 ગરીબ પરિવારોએ આ યોજનાનો લાભ લેવા માટે ભાગ લીધો હતો
- કામ પૂર્ણ ન થતાં 2017થી કામ બંધ થયું તમામ આવાસો ખંડેરમાં ફેરવાયા
- 2017થી રૂપિયાની લેવડદેવડને લઈ બંધ કરવામાં આવ્યું હતું
આંકલાવ પાલિકા દ્વારા IHSDP યોજના હેઠળ સંકલીત આવાસ અને ગંદા વિસ્તાર કાર્યક્રમ અન્વયે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ સુવિધા યોજના હેઠળ વર્ષ 2013-14માં આંકલાવની ઈન્દિરા કોલોની અને જેમૂડી વિસ્તારમાં આવાસ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેનો કોન્ટ્રાક્ટ ગુરૂકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ જેતપુરના કોન્ટ્રાક્ટર જયસુખ પાદરિયા દ્વારા આ યોજના અન્વયે 336 આવાસ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ એની કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા હોવા છતાં આ કામગીરી હજી સુધી પૂર્ણ થઈ નથી જે કામ 2017થી રૂપિયાની લેવડદેવડને લઈ બંધ કરવામાં આવ્યું હતું અને એમાં ગેરરીતિ અને ગેરવહીવટ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં 416 લાભાર્થીઓ યોજનામાં લાભ લેવા માટે ફોર્મ ભર્યા હતા પરંતુ આવાસમાં થયેલા ભ્રષ્ટાચારમાં લાભાર્થીઓ 8 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. જોકે હાલ જેમૂડી વિસ્તારમાં બનેલા આવાસમાં અન્ય જાતિના લોકો ગેરકાયદેસર રહે છે તેમજ રહેતા લોકોને ત્યાંથી નહીં હટાવવા સ્થાનિક રાજકારણની રહેમ નજર રહેતા અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે.
આંકલાવ પાલિકા દ્વારા IHSDP યોજના હેઠળ સંકલીત આવાસોમાં 416 જેટલા પરિવારો મકાનનો લાભ લેવા માટે પાલિકામાં પૈસા પણ ભર્યા હતા જે લાભ માટે હજુ પણ લાભાર્થીઓ આ મકાનની રાહ જોઈને બેઠા છે અમુક પરિવારના મુખ્ય સભ્ય પણ લાભ લે તે પહેલાં મરણ થઈ ગયા પરંતુ લાભ ન મળ્યો. ગરીબ પરિવારે 15થી 20 હજાર રૂપિયા આવાસનો લાભ લેવા માટે પાલિકામાં રૂપિયા પણ ભર્યા હતા છતાં આજદિન સુધી લાભાર્થીઓને લાભ નથી મળ્યો.
બે થી ત્રણ વાર રૂપિયા ભર્યા છતાં મકાન ન મળ્યું
આંકલાવના સુનિલ ભાઈલાલ સોલંકીએ જણાવ્યું કે મારા પિતાજીએ આ ડ્રોમાં લાભ લેવા માટે બે થી ત્રણ વાર પાલિકામાં રૂપિયા ભર્યા હતા મારા પિતાજી તો નથી રહ્યા પરંતુ અમે હજુ પણ મકાનનો લાભ લેવા માટે રાહ જોઈ રહ્યા છે. અમારા વિસ્તારમાં આવા અનેક પરિવાર છે.
12.50 કરોડના પ્રોજેક્ટમાં રૂ.7.5 કરોડની ચુકવણી થઈ પરંતુ લાભાર્થીને લાભ ન મળ્યો
આવાસ સુવિધા યોજના હેઠળ વર્ષ 2013-14માં ઈન્દિરા કોલોની અને જેમૂડી વિસ્તારમાં આવાસ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં 12.50 કરોડના પ્રોજેક્ટમાં 336 આવાસનું ખાતમુહૂર્ત મોટા રાજકીય નેતા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 3 વર્ષ સુધી કામ તેજ ગતિએ ચાલી રહ્યું હતું જેમાં અંદાજે કોન્ટ્રાક્ટને 7.5 કરોડની ચૂકવણી પણ થઈ ગઈ હતી બાદમાં વર્ષ 2017માં કોન્ટ્રાક્ટર દ્વારા કન્ડિશન પ્રમાણે કામ કર્યું ન હતું. જેને લઈને પાલિકાએ રૂપિયા આપવાનું બંધ કરતાં કામ બંધ થઈ ગયું હતું જે હજુ પણ શરૂ થયું નથી.


