- વેરાની નિયમિત-બાકી રકમ વસૂલવા, બોજો દાખલ કરવા સુધીની સત્તા સોંપાઈ
- કલેક્ટરના તાબા હેઠળની કચેરીઓએ જુલાઈ,2023 સુધી 73 લાખનો વેરો વસૂલ્યો
- સુપરિન્ટેન્ડેન્ટ કચેરીઓમાં સમાવિષ્ટ વિસ્તારોની યાદી
શહેર સિટી સર્વેની કચેરી દ્વારા ઇસ્યૂ કરાયેલા 9.50 લાખ પ્રોપર્ટી કાર્ડ પર બિનખેતી-વિશેષધારો-લોકલ સેસલ-શિક્ષણ ઉપકરના બાકી 124 કરોડ વસુલવાની જવાબદારી સિટી સર્વેની કચેરીને સોંપાઇ છે. ઇસ્યૂ કરાયેલા પ્રોપર્ટી કાર્ડ પર અત્યાર સુધીમાં જિલ્લા કલેકટર હેઠળની કચેરીઓ દ્વારા જુલાઇ-2023 સુધીમાં માત્ર 73 લાખની વસુલાત થઇ હતી. સરકાર દ્વારા ઓગસ્ટથી સિટી સર્વેની કચેરીને જવાબદારી સોંપાઇ હતી. સરકાર તરફથી આદેશ થતાં જ સિટી સર્વેની કચેરીએ ગત ઓગસ્ટથી 24મી જાન્યુઆરી સુધીમાં 1.70 કરોડની વસુલાત કરી છે. હવે મહેસૂલ વેરાની બાકી અને રેગ્યુલર રકમ ભરવામાં પ્રોપર્ટી માલિક આનાકાની કે લાપરવાહી દાખવશે તો, તે રકમની વસુલાત માટે બોજો દાખલ કરવા સુધીની સત્તા સિટી સર્વેની કચેરીને અપાઇ છે. હજી 121 કરોડની વસુલાત બાકી છે. સિટી સર્વેની કચેરી દ્વારા અંદાજે 9.50 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યૂ કરાયા છે. જેમાં મોટાભાગના અમદાવાદ પશ્ચિમ અને કોટ વિસ્તારો છે. જે મિલ્કતોના પ્રોપર્ટી કાર્ડ ઇસ્યૂ કરાયા છે, તેવી બિનખેતી પ્રોપર્ટી પર રેગ્યુલર અને બાકી મહેસૂલ વેરાની વસુલાત સિટીસર્વેની કચેરી કરશે. મહેસૂલ વેરો, શિક્ષણ ઉપકર અને લોકલ શેષની રેગ્યુલર અને બાકી રકમ નહીં ભરનાર મિલ્કત પર નિયમ મુજબ નોટીસ આપી બોજો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરાશે. આ પછી પણ વેરો નહીં ભરે તો મિલ્કતની હરાજી પણ કરાશે. સિટીસર્વિની કચેરી દ્વારા મહેસૂલ વેરાની બાકી વસુલાત માટે રેગ્યુલર કાર્યવાહી ચાલી રહી છે. હાલ અમદાવાદમાં 21.50 લાખ પ્રોપર્ટી છે. જેમાં નવા વિસ્તારોમાં પૂર્વ સહિતના ઘણાં વિસ્તારોમાં પ્રોપર્ટીકાર્ડ કાઢવાની કામગીરી શરુ થઇ નથી. સિટીસર્વેના ડેપ્યુટી ડાયરેકટર કે.એમ.વસાવાએ કહ્યું કે, જે વિસ્તારોમાં પ્રોપર્ટીકાર્ડ નીકળ્યા નહતાં, તેવી પ્રોપર્ટી પર અત્યાર સુધી મામલતદાર અને તલાટી દ્વારા દરવર્ષે મહેસૂલ વેરો, શિક્ષણઉપકર, લોકલ શેષની રકમ વસુલાતી હતી. જેમાં ઘણી પ્રોપર્ટીના માલિકો અને સોસાયટીઓ દ્વારા મહેસૂલ વેરો ભરાતો નહતો. આવી મિલ્કતના પ્રોપર્ટી કાર્ડ નીકળી ગયા બાદ હવે રેગ્યુલર મહેસૂલ વેરાની સાથે બાકી વેરાની પણ વસુલાત કરવાની જવાબદારી સિટીસર્વે કચેરીને સોંપાઇ છે. જિલ્લા કલેકટર કચેરીની પેટા કચેરીઓ દ્વારા બાકી વસુલાતની માહિતી અપાયા મુજબ સિટીસર્વે કચેરી દ્વારા ગત ઓગસ્ટથી વેરા વસુલાતની સતત કામગીરી ચાલી રહી છે. જ્યાં પ્રોપર્ટી કાર્ડ ઇસ્યૂ થયા નથી, તેવા વિસ્તારોમાં મહેસૂલ અને અન્ય વેરા વસુલવાની જવાબદારી મામલતદાર અને તલાટી છે.
સુપરિન્ટેન્ડેન્ટ કચેરીઓમાં સમાવિષ્ટ વિસ્તારોની યાદી
સુપરિન્ટેન્ડેન્ટ કચેરી-1માં ઘાટલોડિયા, સાબરમતી, વેજલપુર, અસારવા, દસક્રોઇ તાલુકો, સુપરિન્ટેન્ડેન્ટ કચેરી-2માં અસારવા, મણીનગર, વટવા, સાબરમતી, ઘાડલોડિયા, વેજલપુર, દસક્રોઇ તાલુકો, સુપરિન્ટેન્ડેન્ટ કચેરી-3 માં મણીનગર, સાબરમતી, અસારવા, વટવા, ઘાડલોડિયા તાલુકો, સુપરિન્ટેન્ડેન્ટ કચેરી-(નગર રચના) માં ગોતા, ત્રાગડ, નરોડા, નવાપુરા, નિકોલ, ઘાટલોડિયા-ખોખરા-સરખેજ-નવરંગપુરા-બોપલ-ઘુમા-ભાડજ-કણભા-કઠવાડા-ઓગણજ-સૈજપુરબોઘા-વટવા-મકરબા-ભાત-બોડકેદવ-બાકરોલ-બુજરંગ-ફતહેવાડી-હંસપુરા-હેબતપુર-મકતપુરા-હીરાપુર-પાલડી-કોચરબ-ચાંદલોડિયા-ગ્યાસપુર(બનીખેતી), રાણીપ, લાંભા, વહેલાલ, વિઠલપુર, ટીપી-56 ઓગણજ-ગોતા-સોલા, દાણીલીમડાં, બિલાસીયા-ગેરતનગર-ધંધુકા-જગતપુર(બીનખેતી), ટીપી-121-સોલા-ભાડજ-ઓગણજ, વેજલપુર,ટીપ-42 સોલા-થલતેજ, ટીપી33-એ-સોલા, ખોડિયાર, ટીપી-20-અ-ચાંદખેડા, ટીપી-20-બ કાળી, ટીપી 21 મોટેરા, ટીપી-44 ચાંદખેડા, ટીપી-46 મોટેરા-અમીયાપુર-સુઘડ, ટીપી-69-ચાંદખેડા-ઝુંડાલ-ત્રાગડ, ટીપી-76-બ-ચાંદખેડા, ટીપી-4 -6- વેજલપુર, કૃષ્ણકુંજ, ટીપી-37 દાણીલીમડાં સેક્ટર-2,સેક્ટર-3, સેક્ટર-5, સુપરિન્ટેન્ડેન્ટ કચેરી-સાણંદમાં વિરમગામ, દેત્રોજ, માંડલ, સરખેજ, અસલાલી, સુપરિન્ટેન્ડેન્ટ કચેરી-ધોળકામાં બાવળા, ધંધુકા, ધોલેરા વિસ્તારનો સમાવેશ થાય છે.


