- ચીનમાં આગની ઘટના છતાં તંત્રની કામગીરીમાં ઢીલાશ
- હૉસ્ટેલમાં આગ લાગી હોવા છતાં પૂરતા સાધનો નહોતા હોવાનો ખુલાસો
- ચીનની સોશિયલ મીડિયામાં આગને લઈ ભારે રોષ
ચીનનાં હેનાન પ્રાંતમાં એક પ્રાયમરી બોર્ડિંગ સ્કૂલની હૉસ્ટેલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જો કે આ આગ એટલી ભીષણ હતી કે એમાં 13નાં મોત થયા હતા. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે યાનશાનપુર ગાંવના સ્થાનિક લોકોએ આગ અંગેની ઘટના ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. જે બાદ ફાયર વિભાગની
રૅસ્કયૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સતત પાણીનો મારો ચલાવતા ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. જો કે આમ છતાં એ સ્પષ્ટ નથી થયું કે મૃતકોમાં કેટલા વિદ્યાર્થીઓ હતા. આ ઘટનામાં એક શખ્સ ઈજાગ્રસ્ત થયો હતો અને હાલ તે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ છે. સ્થાનિકોએ દાવો કર્યો છે કે સ્કૂલના માલિકને પોલીસે અટકાયતમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચીનના અનેક વિસ્તારોમાં આગની ઘટના અને આને લઈ ખતરો સામાન્ય વાત છે. કારણ કે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાંનો એક હોવા છતાં સુરક્ષા માપદંડોમાં ઘટાડો છે.
સોશિયલ મીડિયા પર લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો
શાળામાં આગની ઘટના પછી લોકોએ ચીનની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. સુરક્ષામાં ચૂક મુદ્દે જવાબદાર લોકોને સજા આપવાની માંગ કરવામાં આવી હતી. ચીનના એક શખ્સે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ ખૂબ ડરામણું છે. 1 પરિવારોના 13 બાળકો તમામ એક ઘડીમાં મોતનો કોળિયો બન્યાં.


