13 વર્ષની સગીરાના અપહરણનો ખુલાસા સાથે પર્દાફાશ: કાકા સાથે ભાગી ગઈ હોવાની હકીકત
માતાના ત્રાસથી કંટાળી ઘર છોડ્યું, પેરોલ-ફર્લો ટીમે સાયલાથી સગીરાને મુક્ત કરાવી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં 13 વર્ષની સગીરાના અપહરણની ફરિયાદ બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી સમગ્ર મામલાનો ભેદ ઉકેલ્યો છે. તપાસ દરમિયાન બહાર આવ્યું કે સગીરા કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નહીં પરંતુ પોતાના કાકા સાથે ઘર છોડીને ગઈ હતી. પેરોલ-ફર્લો ટીમની મદદથી સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પોલીસને સોંપવામાં આવી છે.
આ મામલે બી. ડિવીઝન પોલીસ સ્ટેશન, રાજકોટમાં સગીરાના અપહરણ અંગે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મુજબ વાલીપણામાંથી 13 વર્ષની દીકરી અચાનક ગુમ થઈ ગઈ હતી. કેસની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. બાદમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ માટે કેસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપવામાં આવ્યો હતો.
ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસ કરતા માહિતી મળી કે સગીરા એક શખ્સ સાથે સાયલા વિસ્તારમાં હોવાની શક્યતા છે. આ આધારે પોલીસે ત્યાં દરોડો પાડી સગીરા તથા તેની સાથે રહેલા યુવાનને પકડી બી ડિવીઝન પોલીસને સોંપ્યા હતા.
પોલીસ પૂછપરછમાં સગીરાએ જણાવ્યું હતું કે તેના પિતાના અવસાન બાદ માતાએ બીજા લગ્ન કર્યા હતા. માતા અને નવા પિતાના ત્રાસથી કંટાળી સગીરા ઘર છોડીને પોતાના નવા પિતાના 20 વર્ષીય ભાઈ સાથે સાયલા જઈ મજૂરી કામ કરવા લાગી હતી.
હાલ પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવા તજવીજ હાથ ધરી છે. જો તપાસ દરમિયાન સગીરા સાથે કોઈ ગેરકાયદેસર કે અયોગ્ય કૃત્ય થયાનું સામે આવશે તો સંબંધિત કલમો, જેમાં દુષ્કર્મની કલમનો પણ સમાવેશ થાય, ઉમેરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.


