- નલિયામાં 7.4 ડિગ્રી ઠંડી
- રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો યથાવત્
- અમદાવાદ શહેરમાં 13.6 ડિગ્રી તાપમાન નોધાયુ
શુક્ર અને શનિવારના રોજ અમદાવાદ સહિત રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આજે મંગળવારના રોજ પણ ઠંડીનો ચમકારો યથાવ્ત જોવા મળ્યો છે. રવિવારથી જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આજે રાજ્યના કુલ 14 શહેરમાં લઘુત્તમ તાપમાન ઘટીને 14 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જેમાં સૌથી ઓછી માત્ર 7.4 ડિગ્રી તાપમાન કચ્છના નલિયામાં રહ્યું છે. નલિયામાં છેલ્લે છેલ્લે ગાત્રો થિજવતી ઠંડીનો રાઉન્ડ અનુભવાતાં લોકો ઠુંઠવાયાં છે. અમદાવાદ શહેરમાં 13.6 ડિગ્રી તાપમાન નોધાયુ છે, જે સામાન્ય કરતાં 3.6 ડિગ્રી નીચું નોંધાયુ છે.
હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ વિગતો મુજબ, અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સિવાય ડિસામાં 13, ગાંધીનગરમાં 13, વડોદરામાં 12.2, દમણમાં 13.6 ડિગ્રી, ભુજમાં 12.8 ડિગ્રી, નલિયામાં 7.4 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 12.4 ડિગ્રી, અમરેલીમાં 11.4 ડિગ્રી, પોરબંદરમાં 13 ડિગ્રી, રાજકોટમાં 13.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.6 ડિગ્રીસ, મહુવામાં 11.5 અને કેશોદમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઉનાળાની શરૂઆત જેવો માહોલ બની ગયો હતો. શનિવાર સુધીમાં રાજ્યના મોટાભાગના શહેરનું લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીને પાર જ્યારે મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર પહોચી ગયું હતુ. પરંતુ હાલમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો પારો ઘટતાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે.


