- કોંગ્રેસે હંમેશા ગરીબોને અન્યાય કર્યો, ભાજપે ગરીબોનું ધ્યાન રાખ્યું : તોમર
- ખેડૂતોને કૃષિ દેવા માફ કરવા આપેલું વચન પૂરું ના કર્યું હોવાના પણ આરોપ
- કોંગ્રેસે વચન ના પાળ્યું અને કલ્યાણકારી યોજનાઓ પણ બંધ કરી દીધી : તોમર
કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે શુક્રવારે દાવો કર્યો કે વીતેલા 9 વર્ષમાં ભાજપના નેતૃત્વમાં બનેલી એનડીએ સરકારના શાસનમાં દેશમાં 14 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા. મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં નીમચ અને મંદસોર જિલ્લામાં પ્રચાર રેલીને સંબોધન કરતાં તોમરે કોંગ્રેસ પર ખેડૂતોને કૃષિ દેવા માફ કરવા આપેલું વચન પૂરું ના કર્યું હોવાના પણ આરોપ લગાવ્યા હતા. તોમરે કહ્યું કે,’કોંગ્રેસે મધ્યપ્રદેશમાં ખેડૂત દેવા માફ કરવા વચન આપ્યું હતું. પરંતુ વર્ષ 2018માં સત્તામાં આવ્યા પછી કોંગ્રેસે વચન ના પાળ્યું અને કલ્યાણકારી યોજનાઓ પણ બંધ કરી દીધી.’ જાવદ વિધાનસભા ક્ષેત્રમાં આવતા જાટ ગામે ભાજપના ઉમેદવાર અને રાજ્યના પ્રધાન ઓમ પ્રકાશ સકલેચાના સમર્થનમાં એક રેલીને સંબોધન કરતાં તોમરે કહ્યું કે કોંગ્રેસે હંમેશા ગરીબો સાથે અન્યાય કર્યો છે. ભાજપે હંમેશા ગરીબીની દરકાર કરી છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં હજીપણ 1.39 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.