આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે PM મોદીના દ્વારકા અને રાજકોટના કાર્યક્રમને ધ્યાને રાખી એસ.ટી. વિભાગ દ્વારા 1400 બસો મુકવાની જાહેરાત કરી છે.
આગામી તા.૨૪ના દ્વારકા આવીને તા.૨૫ના બેટદ્વારકાને ભૂમિ માર્ગે જોડતા સિગ્નેચર બ્રીજ તથા રાજકોટમાં એઈમ્સ સહિતના લોકાર્પણો કરવાના હોય તથા રાજકોટ, દ્વારકામાં જંગી જાહેર સભા યોજાવાની છે.સૌરાષ્ટ્રભરમાંથી મેદની લાવવા માટે ૧૪૦૦ એસ.ટી.બસો ફાળવવામાં આવતા ૩ હજારથી વધુ ટ્રીપ રદ થશે જેના કારણે મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે.
રાજકોટ કલેક્ટર પ્રભવ જોષીએ વડાપ્રધાનની રાજકોટના રેસકોર્સ મેદાનમાં તા.૨૫ના સાંજે જંગી જાહેરસભાના કાર્યક્રમ માટે ૨૬ કમિટિઓની રચના કરીને અધિકારીઓને જવાબદારી ફાળવી દેવાઈ છે. ત્રણ સ્થળોએ PM મોદી માટે સેફ હાઉસ ઉભા કરાશે. રેસકોર્સમાં વિશાળ પાંચ જર્મન ડોમ ઉભા કરાશે અને વિશાળ કદના ૧૦ એલ.ઈ.ડી.સ્ક્રીનથી જીવંત પ્રસારણ થશે.
વડાપ્રધાનના આ કાર્યક્રમ સંપન્ન થયા બાદ થોડા દિવસોમાં જ લોકસભાની ચૂંટણી જાહેર થશે અને આચારસંહિતા અમલી થવા શક્યતા છે. રાજકોટ શહેર જિલ્લામાં તો અત્યારથી જ ચૂંટણી માટે વાહનો સંપાદિત કરવા ઓર્ડરો ઈસ્યુ થવા લાગ્યા છે.