- આણંદ શહેરના જીટોડિયા રોડ પરના મળી આશરે 150થી વધુ દબાણો પણ બુલડોઝર ફેરવાયું
- પતરવેલિયાના શેડ, ગલ્લા, કીટલી તથા શાકભાજીની દુકાનોના કારણે રસ્તા સાંકડા બન્યા હતા
- સાંકડા રસ્તાના કારણે વાહનચાલકો અને રાહદારીને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે
આણંદ જિલ્લાના બોરીઆવીથી આણંદને જોડતા દાંડી માર્ગની બંને બાજુએ ખડકાયેલા દબાણોનો આજે સફાયો કરવાની શરૂઆત કરવામાં આવી છે. બોરીઆવીના રેલવે બ્રિજને તથા રેલ લાઈનની બાજુમાં દાંડી માર્ગને અડીને પતરવેલિયા અને ભજિયાંના રેસ્ટોરન્ટ બનાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત માર્ગ પર કીટલી, ગલ્લા, શાકભાજીની દુકાનો વગેરે ઊભી કરીને પારાવાર દબાણો ખડકાયા હતા. જેને લઈને રસ્તો સાંકડો બનતા વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં પારાવાર હાલાકીનો સામનો કરવો પડયો હતો.
કલેક્ટરની તવાઈ બાદ દાંડી માર્ગ પરના કેટલાક દબાણો આજે પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં બોરીઆવીથી લાંભવેલ થઈ ઝાયડસ હોસ્પિટલ પાસેના રસ્તા પરથી આગળ જીટોડિયા રોડ પરના આશરે એકસોથી વધુ દબાણો આજે દૂર કરાયા હતા. બોરીઆવી તથા આગળના દાંડી વિભાગના માર્ગો પર જેસીબીથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પતરાના શેડ તથા તાડપત્રી તથા લાકડા અને લોખંડની એંગલો દ્ધારા છત બનાવીને ઠેરઠેર દબાણો ખડકી દેવામાં આવ્યા છે. જેના કારણે બોરીઆવીથી આણંદ તથા જીટોડિયાથી આગળનો રસ્તો સાંકડો બન્યો છે. જેના કારણે ઐતિહાસિક દાંડી માર્ગની ગરિમા જોખમાઈ છે. તેમજ દબાણોના કારણે ટ્રાફિક નિયમન પણ જળવાતું નહોતું. ઘણીવાર અકસ્માતો પણ સર્જાતા હતા. તેથી આવા નડતરરૂપ અને જોખમી દબાણો વહેલીતકે દૂર કરવાની માંગ ઉઠી હતી. જેમાં તાજેતરમાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરે દબાણોના મુદે અધિકારીઓનો ઉઘડો લીધો હતો. જે પૈકી હજુ દાંડી વિભાગ દ્ધારા શરૂઆત કરવામાં આવી છે.
આજે બોરીઆવીથી લાંભવેલ થઈ આણંદ તથા આગળ જીટોડિયાને જોડતા રસ્તા પરના આશરે એકસો જેટલા દબાણો પર બુલડોઝર ફેરવાયા હતા. દબાણો હટાવતી વખતે આજે કેટલીક જગ્યાએ દબાણકર્તાઓ અને તંત્ર વચ્ચે રકઝક પણ થઈ હતી. પરંતુ જે જગ્યાએ દબાણો હટાવાયા ત્યાં ફરી દબાણો ન થાય તેની તંત્ર દ્ધારા કાળજી લેવામાં આવે અને ફરી દબાણ કરનારની સામે સખત કાર્યવાહી કરવામાં આવે તો જ આ ઝુંબેશ સફળ થાય એમ હોવાનું જાગૃતજનો જણાવી રહ્યા છે. આણંદમાં દાંડી માર્ગ પરના 19 દબાણકર્તાઓને નોટિસ આપી હતી, આ દબાણો ક્યારે હટાવાશે ?દાંડી વિભાગે દબાણ હટાવ અભિયાન શરૂ કર્યું છે, ત્યારે આણંદમાં ગોપી સિનેમા નજીકના દાંડી માર્ગ પર આવેલા એક મંદિરનું દબાણ દૂર કરવાનો વિવાદ પણ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. મંદિર હટાવવા જતા ઉગ્ર વિરોધ થયો હતો. ત્યારબાદ દાંડી વિભાગે આ મંદિરની આસપાસના 19 જેટલા દબાણકર્તાઓને નોટિસ ફટકારી છે, અને રર જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ આપી દબાણ હટાવી લેવા તાકીદ કરી છે. પરંતુ આ જગ્યાએ હજુ દબાણો યથાવત્ છે. તેથી આ દબાણો હવે ક્યારે દૂર કરાશે ? તે અંગે પ્રશ્નાર્થ સર્જાયું છે.
આશરે 150થી વધુ ગેરકાયદે દબાણો હટાવાયા : દાંડી ઈજનેર
દાંડી વિભાગનો રસ્તો અલગ અલગ પહોળાઈ ધરાવે છે. જેમાં 15થી 24 મીટર રસ્તાની પહોળાઈ રાખવામાં આવી છે. દાંડી વિભાગ દ્વારા બોરીઆવીથી લાંભવેલ, આણંદ થઈ જીટોડિયા સુધીના રસ્તા પરના આશરે એકસોથી વધારે દબાણો આજે દૂર કર્યા છે.


