આર.પી.જે હોટલ પાસે વધુ એક બનવા જઇ રહ્યો છે ૪૦ માળથી ઉંચો હાઇરાઇઝ લકઝરિયસ પ્રોજેક્ટ
રાજકોટમાં મીની મુંબઇ બનવા જઇ રહ્યુ છે, આ કહેવુ જરા પણ અતિ શયોક્તિ એટલા માટે નથી કે અત્યાર સુધી રિયલ એસ્ટેટ આડે એરપોર્ટના ફનેલ એરિયા(ફ્લાઇંગ ઝોન)ને લઇને સમગ્ર શહેરમાં ૮ માળથી વધુ ઇંચાઇની બિલ્ડીંગ બનાવવી હોય તો ફરજિયાત એરપોર્ટ ઓથોરિટીનું એન.ઓ.સી. લેવુ પડતુ હતુ. એન.ઓ.સી. હોય તો જ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખામાં પ્લાન મંજૂર થતા હતા. હવે એરપોર્ટ ઓથોરિટીનું આ ગ્રહણ દૂર થતા જ શહેરમાં કોઇ પણ સ્થળે ૪૦ માળથી ઉંચી બિલ્ડીંગ બની શકશે. મધ્ય રાજકોટમાં તો એ મુજબની જગ્યાનો અભાવ છે. સૌથી વધુ લાભ ન્યૂ રાજકોટ અને જ્યા વિકાસના તમામ દ્વાર ખુલેલા છે તેવા માધાપર, રોણકી, મોરબી રોડ, ઘંટેશ્વરથી ચાલુ કરીને ગોંડલ રોડ ચોકડી સુધીના રિંગરોડ-૨, મવડી, વાવડી સહિતના વિસ્તારોને થવાનો છે. એરપોર્ટ ઓથોરિટીના જડ નિયમો દૂર થાય તેની રાહ જોતા અમુક ડેવલપોર્સ હવે હાઇરાઇઝ પ્રોજેક્ટ મુકવા આગળ વધ્યા છે. રૂડા અને મહાનગરપાલિકાની ટીપી શાખાના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ અષાઢી બીજે આઠ માળથી વધુ ઉંચાઇના બાંધકામ પ્રોજેક્ટના ૧૫૦થી વધુ પ્લાન ઇનવર્ડ થવા જઇ રહ્યા છે. એ પૈકી વધુ એક ૪૦ માળથી ઉંચો પ્રોજેક્ટ આર.પી.જે. હોટલ નજીક મુકાઇ રહ્યા છે. હાલ આ પ્રોજેક્ટના ફાઉન્ડેશનનું કામ ચાલુ છે. પ્લાન તો ૨૨ માળનો મુકાયો હતો પરંતુ એરપોર્ટ ઓથોરિટીનો નિયમ દૂર થતા હવે પ્લાન રિવાઇઝ કરીને ૪૦ માળ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેક્ટમાં એકસાથે ૫ ટાવર(બિલ્ડીંગ)નું આયોજન છે.
રાજકોટની મધ્યેથી એરપોર્ટનું સ્થળાંતર તો થયુ પરંતુ એરપોર્ટ ઓથોરિટીના નિયમોનું જડ વલણ અત્યાર સુધી યથાવત રહ્યા હતા. શહેરના રિયલ એસ્ટેટને નડતા અવરોધો દૂર થયા છે. અત્યાર સુધી ૮ માળથી ઉંચુ કોઇ બાંધકામ કરવા માટે એરપોર્ટ ઓથોરિટીના એન.ઓ.સી.ની જરૂર પડતી. ઓન.ઓ.સી. મળ્યા પછી જ મનપા દ્વારા બાંધકામ પ્લાન મંજૂર થતા હતા. તેની પાછળનું એક કારણ એ હતુ કે, જૂનુ એરપોર્ટ શહેરની મધ્યે હોય એરપોર્ટ ઓથોરિટીના કાયદા મુજબ બાંધકામ પ્લાન માટે આ નિયમ હતો. હવે એરપોર્ટ હિરાસર ખાતે સ્થળાંતર થતા જ ૮ માળથી ઉંચા બાંધકામમાં એરપોર્ટ ઓથોરિટીના હસ્તક્ષેપની જંજાળમાંથી છૂટકારો મળશે. એટલુ જ નહીં એરપોર્ટના ફનેલ એરિયા(ફ્લાઇંગ ઝોન) હેઠળ આવતા ચોક્કસ વિસ્તારમાં ત્રણ માળથી ઉંચા બાંધકામને પણ હવેથી મંજૂરી મળશે.
શહેરના રિયલ એસ્ટેટના વિકાસને રૂંધતો એરપોર્ટ ઓથોરિટીનો આ જડ નિયમ દૂર થતાની સાથે જ હવે બિલ્ડરો પણ મોટા પ્રોજક્ટ મુકવા આગળ વધી રહ્યા છે. રૂડા અને મહાનગરપાલિકાની ટીપી શાખાના સુત્રોમાંથી મળતી સતાવાર માહિતી મુજબ એરપોર્ટ ઓથોરિટીના નિયમો દૂર થાય તેની રાહ જોઇને બેઠેલા બિલ્ડરો અષાઢીબીજના દિવસે પ્લાન ઇનવર્ડ કરવા તૈયારી કરી રહ્યા છે. અષાઢી બીજના દિવસે ઓછામાં ઓછા ૧૫૦ જેટલા પ્રોજેક્ટ ઇનવર્ડ થવા જઇ રહયા છે. એ પૈકી શહેરમાં વધુ એક ૪૦ માળની બિલ્ડીંગનો મોટો પ્રોજેક્ટ આકાર લઇ રહ્યો છે. મોટામવા સર્વેમાં આવતા આર.પી.જે હોટલ પાસે ૪૦ માળના ચાર ટાવર(બિલ્ડીંગ) બનવા જઇ રહ્યો છે. આ પ્રોજેક્ટનો પ્લાન અત્યાર સુધી ૨૨ માળનો જ હતો. પરંતુ એરપોર્ટનો ઓથોરિટીના એન.ઓ.સી.નો નિયમ દૂર થતા જ હવે પ્લાન રિવાઇઝડ કરીને ૪૦ માળ બનવા જઇ રહ્યા છે. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટની ૪૦ માળની જાહેરાત બિલ્ડર દ્વારા કરવામા આવશે.
એરપોર્ટ નજીક દોઢસો ફૂટ રિંગરોડના વિસ્તારમાં રિયલ એસ્ટેટનો એક નવો જ સુર્યોદય થશે
રિયલ એસ્ટેટ ક્ષેત્રે અને ખાસ કરીને અર્બન પ્લાનીંગમાં કાર્યરત ધ્રુવિકભાઇએ અગ્ર ગુજરાત સાથે થયેલી વાતચીતમાં કહ્યુ હતુ કે, એરપોર્ટનું સ્થળાંતરતા જુના એરપોર્ટની જગ્યાઓ ઉપયોગ ક્યા હેતુ માટે થવાનો છે એ હજુ સતાવાર જાહેર નથી થયુ પરંતુ ફનેલ એરિયા સહિત એરપોર્ટ ઓથોરિટીના નિયમો દૂર થતા સૌથી વધુ શહેરના હાર્દસમાન એરપોર્ટ નજીક આવતા દોઢસો ફૂટ રિંગરોડ પરના વિસ્તારમાં રિયલ એસ્ટેટનો એક નવો જ સુર્યોદય થઇ શકે તેમ છે. મેટ્રોસિટી જેવી બિલ્ડીંગ શક્ય બની શકે. આ ઉપરાંત એરપોર્ટ રન-વે આસપાસ ગાંધીગ્રામ, બજરંગવાડી, ભોમેશ્વર, મોચીનગર, લાખના બંગલાવાળો રોડ, શિતલપાર્ક, મારૂતિનગર, પત્રકાર કોલોની, રેસકોર્સપાર્ક, ગીતગુર્જરી, રંગઉપવન સહિતના વિસ્તારોમાં હાઇરાઇઝ બાંધકામ માટે દિશા ખલી શકે છે.
રાજકોટ એરપોર્ટ ઓથોરિટીમાં પણ ભ્રષ્ટાચાર, NOC માટે આપવુ પડતુ હવુ નૈવૈદ્ય
રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખામાં જેવો ભ્રષ્ટાચારનો કદડો બહાર આવ્યો છે તેવો જ ભ્રષ્ટ વહીવટ રાજકોટ એરપોર્ટ ઓથોરિટીમાં થતો હોવાનું જગજાહેર છે. જેવો પ્રોજેક્ટ એવો વહીવટ. વચેટિયા મારફતે વહીવટ કરવામા આવે તો જ એરપોર્ટ ઓથોરિટીનું એન.ઓ.સી. મળતુ હતુ.