ઘરમાં ઉધયની દવા છાંટવાનું કામ ચાલતું હોવાથી ઘરના સભ્યો ફઈબા ના ઘરે સુવા ગયા ને તસ્કરો કળા કરી ગયા
રાજકોટના કરણપરા વિસ્તારમાં રહેતા ઇલેક્ટ્રિક વેપારીના બંધ મકાનને નિશાન બનાવી રાત્રિ દરમિયાન તસ્કરો ખાબક્યા હતા અને ઘરમાંથી 15 લાખના સોના ચાંદીના દાગીના અને એક લાખની રોકડ સહિત 16 લાખની માલમત્તાનો હાથ ફેરો કરી જતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના કરણપરા શેરી નંબર 13/14 ના ખૂણે સિદ્ધાર્થ મકાનમાં રહેતા કેટીનભાઈ શાહને સાંગણવા ચોકમાં જ સિદ્ધાર્થ ઈલેક્ટ્રીક નામની દુકાન આવેલી છે. શનિવારના રોજ કેટીનભાઈએ તેમના મકાનમાં ઉધયની દવાનો છંટકાવ કરેલો હોવાથી ત્રણેક દિવસ માટે પરિવારના તમામ સભ્યો કરણસિંહજી મેઇન રોડ પર વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા તેમના ફઈબા ના ઘરે રહેવા માટે ચાલ્યા ગયા હતા.
દરમિયાન આજરોજ વહેલી સવારે બંધ મકાનનો લાભ ઉઠાવી અંદર ખાબકેલા તસ્કરો કબાટની તિજોરી તોડી તેમાં રહેલા 15 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને 1 લાખ રૂપિયાની રોકડ સહિત 16 લાખની માલમત્તાનો હાથફેરો કરી નાશી છુટતા હતા. સવારે કેટીનભાઈ તેમના મકાને આવતા તાળા તૂટેલા જોવા મળતા ચોરી થયાનું માલુમ પડતા તુરંત એ ડિવિઝન પોલીસને જાણ કરતા પીઆઇ બારોટ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જેમણે ફરિયાદ દાખલ કરવા અને તસ્કરોને ઝબ્બે કરવા કવાયત આરંભી છે.
ત્રણ તસ્કરો સીસીટીવી માં કેદ
રાજકોટના કરણપરા શેરી નંબર 13/14 ના ખૂણે સિદ્ધાર્થ મકાનમાં રહેતા કેટીનભાઈ અને તેમનો પરિવાર ત્રણ દિવસથી તેમના ફઈબાના ઘરે રહેતો હોવાથી બંધ મકાનમાં તસ્કરો 16 લાખનો હાથ ફેરો કરી ગયા હતા. જે અંગે પોલીસે તમામ સીસીટીવી ફૂટેજ ચકાસતા એકટીવામાં આવેલા ત્રણ જેટલા તસ્કરો મકાનની દીવાલ ટપી અંદર ઘૂસ્યા હોવાનું નજરે પડ્યું હતું. અને આ ત્રણેય તસ્કરો સવારે ચાર 4:30 થી 5:00 વાગ્યાની વચ્ચે ખાબકયા હતા. આથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.