- વિદેશી દારૂના રૂ.6.27 લાખના જથ્થા બાબતે બુટલેગરની શોધખોળ હાથ ધરાઇ
- બાવળોની કાંટમાં દારૂનો જથ્થો સંતાડયો હોવાની બાતમી મળતા પોલીસની કાર્યવાહી
- બાવળોની કાંટમાં છૂપાવેલો 162 પેટી દારુનો જથ્થો ઝડપી લીધો હતો
સાયલા પંથકમાં છાનેખુણે બેફમ ચાલતા દેશી,વિદેશી દારૂની હાટડીઓની વકરેલી બદીને નાથવા રાજકોટ રેન્જ આઇજી દ્વારા અપાયેલ કડક સુચનાઓને લઇ સ્થાનિક પોલીસ તંત્ર એકાએક આળસ ખંખેરી હરકતમાં આવી ગયું હોય તેમ છેલ્લા થોડા દિવસોમાં દારુના મોટા જથ્થાઓ ઝડપી બુટલેગર તત્વો પર તવાઇ બોલાવવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. પેટ્રોલિંગમાં રહેલ ધજાળા પોલીસની ટીમે પુર્વ બાતમીના આધારે નડાળા ગામની સીમમાં ખરાબામાં અજાણ્યા ઇસમો દ્વારા બાવળોની કાંટમાં છૂપાવેલો 162 પેટી દારુનો જથ્થો ઝડપી લીધો હતો.નડાળા વિસ્તારમાં પ્રોહીબીશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહેલ ધજાળા પોલીસની ટીમના રણછોડભાઇ ભરવાડ, વિજયસિંહ ચૌહાણ, ખોડાભાઇ, યુવરાજસિંહ સહીતને બાતમી મળતા ભાદર નદીના કાંઠે આવેલા વીડમાં દરોડો પડાયો હતો. દરોડા સ્થળેથી બાવળના ઝૂંડ વચ્ચે અલગ અલગ જગ્યાએ બહારથી મંગાવીને વેપલો કરવા રાખેલો બિનવારસી દારૂનો મોટો જથ્થો પડેલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પેટીઓમાં ભરીને રાખેલો બિનવારસી દારૂનો જથ્થો બહાર કાઢી ગણતા કુલ 162 પેટીઓમાં ભરેલી બે બ્રાંડની 1944 બોટલ, જેની કિંમત 627300 રુપિયા ગણી પોલીસે અજાણ્યા બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની તલાશ હાથ ધરાઇ હતી. ઉલ્લેખનિય છે કે કટીંગ તેમજ ગેરકાયદે દેશી દારુના ઉત્પાદન માટે બુટલેગરોમાં સલામત સ્થાન ગણાતા વિસ્તારમાંથી ફ્રી એક વખત બિનવારસી દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસ હાલ તો મંગાવનાર શખસની શોધખોળ કરી રહી છે.


