પરસોતમ રૂપાલાના નામે ૯ કરોડ ૪૨ લાખ ૪૪ હજાર : પત્ની સવિતાબેનના નામે ૮ કરોડથી વધુ
રૂપાલાની વાર્ષિક આવક રૂ.૧૫.૭૭ લાખ : પત્નીની વાર્ષિક આવક ૧૨.૭૦ લાખ
પૂર્વ પ્રિન્સીપાલ પરસોતમભાઇએ ખંભાતની બી.સી.જે. કોલેજમાંથી બી.એડ કર્યુ છે
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ આજે વાજતેગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ અને આ સાથે તેમણે તેમની મિલકત, શૈક્ષણિક લાયકાત, દેવુ-લેણુ, પોલીસ કેસ હીસ્ટ્રી સહિત ડેકલેરેશન આપતુ સોગંદનામુ રજૂ કર્યુ હતુ. જાહેર કરાયેલી વિગત મુજબ પરસોતમ રૂપાલા અને તેમના પત્નીના નામે સ્થાવર અને જંગમ બન્ને મળીને કુલ ૧૭.૪3 કરોડની ઓનપેપર હોવાનું દેખાડ્યુ છે.
પરસોતમ રૂપાલાએ પાછલા પાંચ વર્ષના આવકવેરા હિસાબનું પત્રક રજૂ કર્યુ છે. ઉમેદવારી ફોર્મ સાથે પતિ અને પત્ની બન્નેની સ્થાવર અને જંગમ મિલકત દર્શાવવી ફરજિયાત છે. એ મુજબ છેલ્લા ૨૦૨૨-૨૦૨3ના આવકવેરા રિર્ટન મુજબ પરસોતમ રૂપાલાની વાર્ષિક આવક રૂ.૧૫ લાખ ૭૭ હજાર જ્યારે પત્ની સવિતાબેનની વાર્ષિક આવક ૧૨ લાખ ૭૦ હજાર દર્શાવવામા આવી છે. કુલ સ્થાવર અને જંગમ મિલકતમાં પરસોતમ રૂપાલાના નામે હાથ પર રોકડ, બેંકમાં થાપણ, એફ.ડી., શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, પોસ્ટ ઓફિસ, વીમા કંપની, અન્યને આપેલી લોન વગેરે જંગમ મિલકત રૂ.૫ કરોડ ૭૯ લાખ ૬૪ હજારની છે. જ્યારે પત્ની સવિતાબેનના નામે તમામ પ્રકારની જંગમ મિલકત રૂ.૫ કરોડ ૭૧ લાખ ૫૮ હજારની છે.
સ્થાવર મિલકતની વાત કરીએ તો કૃષિ જમીન, રહેણાંક કે કોમર્શિયલ મિલકત વગેરેમાં પરસોતમ રૂપાલાના નામે 3 કરોડ 3૪ લાખ ૨૮ હજાર જ્યારે પત્ની સવિતાબેનના નામે સ્થાવર મિલકત ૨ કરોડ ૬૧ હજારથી વધુ જ્યારે વારસાગત સ્થાવર મિલકતમાં પરસોતમભાઇ અને પત્ની બન્નેની સહીયારી ભાગીદારીમાં ૨૮ લાખ ૫૧ હજારની છે. એકંદરે પરસોતમભાઇ અને તેમના પત્ની બન્ને ૧૭ કરોડ ૪3 લાખની સ્થાવર અને જંગમ મિલકતના આસામી છે.
પરસોતમભાઇના નામે એકપણ કાર-સ્કુટર નહીં
મહિને ૧૦-૧૫ હજારના પગારની નોકરી કરતી સામાન્ય પરિવારની વ્યક્તિના નામે પણ કમસેકમ એકાદ નાનુ મોપેડ કે કોઇ સ્કુટર માલિકીનું હોય જ છે. જ્યારે અહીં પરસોતમભાઇ કેન્દ્રિય મંત્રી દરજ્જાની વ્યક્તિ હોવા છતા તેમની પાસે કાર કે સ્કુટર સહિત એકપણ વાહન નથી. તેમના પત્નીના નામે પણ એકપણ વાહન ન હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે.
રૂપાલા પાસે હાથ પર રોકડ માત્ર ૧૮.૮૯ લાખ જ!
જંગમ મિલકતમાં પરસોતમભાઇ પાસે માત્ર રૂ.૧૮.૮૯ લાખની જ રોકડ હાથ પર છે. જ્યારે પત્ની પાસે રૂ.૯ લાખ ૧3 કરોડની રોકડ છે. એ સિવાયની જંગમ મિલકતો બેંક, થાપણ, શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, અન્યને આપેલી લોન કે ઉછીના સહિત પરસોતમભાઇ પાસે ૫ કરોડ ૭૯ લાખ અને પત્ની પાસે ૫ કરોડ ૭૧ લાખ છે.
પરસોતમભાઇ પાસે મોજે અમરેલીમાં ખેતીની જમીન
પત્નીના નામે અમદાવાદ-ગાંધીનગરમાં જમીન-મકાન
પરસોતમભાઇ પાસે વરસાઇ અને ખુદની માલિકીની મોટાભાગની ખેતીની જમીન અમરેલી જિલ્લામાં જ આવેલા મોજે અમરેલીના સર્વે નંબરમાં આવેલી છે. પતિ-પત્ની બન્નેની સહીયારી માલિકીની છે. જ્યારે પત્નીના નામે અમદાવાદમાં એપાર્ટમેન્ટ અને ગાંધીનગરમાં સેક્ટર 3-ડીમાં પ્લોટ આવેલો છે.
રૂપાલા દંપતી પાસે છે આટલુ સોનુ-ચાંદી
- પરસોતમભાઇ પાસે ૪૫.૪૯૪ ગ્રામ સોનુ જેની કિંમત ૨ લાખ ૬૭ હજાર
- ૨૯૫૮ ગ્રામ રૂપા(ચાંદી)ના ઘરેલા જેની કિંમત ૧ લાખ ૯૫ હજાર
- ૬૧૬૪ ગ્રામ ચાંદીના વાસણો કે જેની કિંમત ૪ લાખ ૭ હજાર છે.
- પત્ની સવિતાબેન પાસે ૧3૯૦ ગ્રામ સોનાના ૮૧.૭૨ લાખની કિંમતના ઘરેલા
- ૧ લાખ ૮૫ હજારના ચાંદીના ઘરેલા અને ૪ લાખ ૫3 હજારના ચાંદીના વાસણો
-
પરસોતમભાઇ પાસે જે લાયસન્સવાળી બંદૂક
પરસોતમભાઇ પોતાના રક્ષણ માટે પરવાનાવાળી ૮૭,૫૦૦ની કિંમતની વિદેશી બનાવટની બંદૂક સ્વરક્ષણ માટે ધરાવે છે. સોગંદનામામાં તેમણે આ હકિકત પણ દર્શાવી છે.


