આજે મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રામાં ટીઆરપી કાંડના પીડિત પરિવારોએ કહ્યુ અમે ભાજપ-કોંગ્રેસમાં પડવા નથી માગતા, રાજકારણથી દૂર રહેવા માગીએ છીએ પણ દોષિતોને સજા મળે એ જ અમારી માગણી
રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ, મોરબીના ઝૂલતા પુલનો કાંડ, સુરતનો તક્ષશિલા કાંડ, વડોદરાના હરણી બોટ કાંડમાં મૃતકો અને તેમના પરિવારજનોને હજુ સુધી ન્યાય ન મળતા કોંગ્રેસે આજે મોરબીથી ન્યાયયાત્રાનો પ્રારંભ કર્યો છે. જે રાજકોટ થઇને ગાંધીનગર સુધી પગપાળા જશે. આ યાત્રામાં ટીઆરપી કાંડના ૧૭ પીડિત પરિવારો જોડાવાના નથી. આજે રેસકોર્સમાં પીડિત પરિવારોની મીટીંગ મળી હતી જેમા તેમણે કહ્યુ હતુ કે, અમારા સ્વજનો ગયા છે. અમારા બાળકો ગયા છે. અમને કોંગ્રેસ કે ભાજપ સાથે કોઇ નિસ્બત નથી. અમારે બસ ન્યાય જોઇએ છીએ. દોષિતોને કડક સજા મળે એ જ અમારી માગણી છે. બાકી ન્યાય યાત્રામાં જોડાવુ કે ટીઆરપી કાંડને લઇને ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચાલતા રાજકારણમાં અમને પડવુ નથી.
“લાવો હું ૫૦ લાખ આપુ, મને કોઇનો જીવ લેવા દેશે?”
હું તો પહેલેથી જ કહેતો આવ્યો છું કે, અમને રોકડ સહાયની નથી પડી, અમારા સ્વજનો ગયા છે. દોષિતોને સજા મળે એ ન્યાય અમારે જોઇએ છીએ. કોંગ્રેસ એમ કહે છે કે, અમે તમને સહાય અપાવશુ. ભાજપ એમ કહે છે કે, તમને અપેક્ષા મુજબની સહાય આપશુ. હું એમ પુછુ છુ કે, લાવો હું સામે ૫૦ લાખ આપુ, મને કોઇનો જીવ લઇને જવા દેશો? ટૂંકમાં અમારે કોઇ રાજકારણમાં નથી પડવુ. દોષિતોને સજા મળે એ જ અમારી માગ છે.
- પ્રદીપસિંહ ચૌહાણ
“મુખ્યમંત્રીએ અમને ખાતરી આપી છે કે, દોષિતોને કડક સજા અપાવશુ”
અમે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને મળ્યા ત્યારે તેમણે ખાતરી આપી છે કે, સરકાર તમારી સાથે છે. દોષિતોને સજા મળે ત્યા સુધી સરકાર કોઇ વાતે કસર નહીં રાખે. આમ ખુદ મુખ્યમંત્રીએ ખાતરી આપી હોય તો તેના પર ભરોસો રાખવો જોઇએ. અમે ન્યાય યાત્રામાં જોડાવાના નથી. પણ તિરંગા યાત્રામાં એટલા માટે જોડાશુ કે એ દેશ માટે છે.
- અશોકભાઇ મોડાસિયા
“આ પ્રકરણમાં રાજકારણ ન થાય એ વિનંતી, દોષિતોને સજા મળવી જોઇએ”
કોંગ્રેસની ન્યાય યાત્રા નીકળી છે એ વાતથી હું અજાણ છું. હું છાપા વાચતી નથી કે ન્યુઝ જોતી નથી એટલે મને કંઇ ખબર નથી. પણ એટલુ જરૂર કહીશ કે અમારા બાળકોનો જીવ ગયો છે. એટલે આ પ્રકરણમાં કોઇપણ પક્ષેથી રાજકારણ થવુ ન જોઇએ એ વિનંતી છે. તટસ્થ રહીને દોષિતોને સજા મળે એ જ અમારી માગણી અને ઇચ્છા છે.
- અમિતાબેન મોડાસિયા
“ન્યાય યાત્રામાં જોડાવા અમને ફોન આવ્યો હતો, પણ અમે ગયા નથી”
કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાવા માટે અમને ફોન આવ્યો હતો પરંતુ અમે ગયા નથી. ટીઆરપી કાંડ પછી અમને મુખ્યમંત્રી, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત સરકારમાં બેઠેલા મળ્યા હતા. અમારી માગણી મુજબ સ્પેશિયલ પી.પી. તેમજ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તે વચન આપ્યુ છે.
- ચંદ્રસિંહ જાડેજા