ભાવનગરના ઇન્દ્રજીત ટાંક રાજકોટમાં, વલસાડ–ગાંધીનગર–મહેસાણા સહિત અનેક જિલ્લાઓમાં નિમણૂક
વર્ષના અંતિમ દિવસે ગુજરાત સરકાર દ્વારા મોટર વાહન ખાતાના વહીવટી માળખામાં મોટો અને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ મુજબ રાજ્યના 17 સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીઓ (ARTO – વર્ગ-૨) ને બઢતી આપી વર્ગ-૧ (પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી/નાયબ વાહન વ્યવહાર નિયામક) સંવર્ગમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે જ તમામ અધિકારીઓને નવી જગ્યાએ નિયુક્તિ આપવામાં આવી છે અને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે.
વિભાગના ઉપસચિવ તેજેન્દ્ર પટેલની સહીથી જારી કરાયેલા આદેશથી રાજ્યભરના અનેક જિલ્લાઓમાં આરટીઓ કચેરીઓની વહીવટી કામગીરી પર સીધી અસર પડશે. ખાસ કરીને રાજકોટ, ભાવનગર, વડોદરા, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સુરત, નવસારી, મોરબી, દાહોદ અને પાલનપુર સહિતના વિસ્તારોમાં મહત્વના ફેરફારો થયા છે.
રાજકોટ–વડોદરા વચ્ચે મહત્વની બદલી
રાજકોટ આરટીઓ તરીકે ફરજ બજાવતા કેતનકુમાર મથુરભાઈ ખપેડ ને બઢતી સાથે આરટીઓ વડોદરા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ભાવનગરના આરટીઓ ઇન્દ્રજીત સુરેશભાઈ ટાંક ને રાજકોટ આરટીઓ તરીકે બદલી કરવામાં આવી છે. રાજકોટ જેવી મહત્વની શહેરની જવાબદારી હવે ઇન્દ્રજીત ટાંક સંભાળશે, જે શહેરના વાહન વ્યવહાર અને રોડ સેફ્ટી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
અન્ય પ્રમુખ બદલી અને નિમણૂકો
સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, પ્રતિક બાબુભાઈ લાઠીયાને બારડોલીથી વલસાડ, કનકસિંહ પરમારને અમદાવાદ (પૂર્વ) થી ગાંધીનગર, વિનીતા હેમરાજ યાદવને ગાંધીનગરથી મહેસાણા, હાર્દિકકુમાર પટેલને અમદાવાદથી પાટણ અને આકાશ મહેન્દ્રભાઈ પટેલને સુરતથી નવસારી ખાતે આરટીઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તે ઉપરાંત જીગર કૌશિક પટેલને વડોદરાથી હિંમતનગર, જેમિનકુમાર ચૌધરીને પાટણથી વાહન વ્યવહાર કમિશનર કચેરી ગાંધીનગરમાં નાયબ નિયામક તરીકે, દિપસંગ ચાવડાને બોટાદથી આણંદ, મિતેષ બંગાલેને ભરૂચથી નડિયાદ અને ચિંતન પટેલને દાહોદથી બારડોલી ખાતે મોકલવામાં આવ્યા છે.
પે-મેટ્રિક્સ લેવલ-11માં બઢતી
આ તમામ અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-11 મુજબના પગાર ધોરણમાં બઢતી આપવામાં આવી છે. સરકારના આદેશનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે, જેથી નવા વર્ષની શરૂઆતથી જ આરટીઓ કચેરીઓમાં વહીવટી કામગીરી વધુ ગતિશીલ અને અસરકારક બની શકે.સરકારી વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે કે આ ફેરફારો વાહન વ્યવહાર વ્યવસ્થામાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને રોડ સેફ્ટી સુધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.


