સુરત શહેરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માત્ર 17 વર્ષની એક સગીરા બોલિવૂડ એક્ટ્રેસ અને મોડેલ બનવાની ઘેલછામાં પોતાના માતા-પિતાની મરજી વિરુદ્ધ ઘર છોડીને મુંબઈ ભાગી ગઈ હતી. જોકે, ઇચ્છાપોર પોલીસે ટેક્નોલોજીનો સ્માર્ટ ઉપયોગ કરીને માત્ર બે દિવસમાં જ સગીરાને શોધી કાઢી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સગીરા છેલ્લા કેટલાક સમયથી મોડલિંગ અને એક્ટિંગ ક્ષેત્રે જવા માટે માતા-પિતા સામે જીદ કરી રહી હતી, પરંતુ તેમની સંમતિ ન મળતા તેણે ઘર છોડવાનો નિર્ણય લીધો હતો. માતા-પિતાએ તાત્કાલિક તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
QR કોડ ટ્રેકિંગની અનોખી યુક્તિ
ગુમ થયાના બે દિવસ બાદ સગીરાએ તેની માતાને ફોન કરીને જણાવ્યું કે તેને મોડલિંગ માટે ફી ભરવા માટે રૂ. 15,000ની જરૂર છે. પી.એસ.આઇ. કે.પી. જાડેજાએ આ ફોનને તક ગણીને માતા-પિતાને સલાહ આપી કે દીકરીને પૈસા મોકલવા માટે QR કોડ મોકલવા માટે કહેવામાં આવે. સગીરાએ જ્યારે પૈસા મેળવવા માટે QR કોડ મોકલ્યો, ત્યારે પોલીસે તુરંત જ તે કોડની વિગતો અને ટ્રાન્ઝેક્શન ગેટવેનો ઉપયોગ કરીને તેનું લોકેશન ટ્રેક કર્યું. પોલીસે સફળતાપૂર્વક જાણકારી મેળવી કે સગીરા મુંબઈમાં ગેટવે ઑફ ઈન્ડિયા નજીક આવેલી એક હોટલમાં રોકાઈ છે. તાત્કાલિક સુરત પોલીસની એક ટીમ મુંબઈ રવાના થઈ અને હોટલમાંથી સગીરાને શોધી કાઢી હતી. પોલીસ જ્યારે પહોંચી ત્યારે સગીરા એકલી હતી અને તેની પાસેના પૈસા પણ પૂરા થઈ ગયા હતા. પોલીસે સગીરાનું યોગ્ય કાઉન્સિલિંગ કરીને તેને સુરત પરત લાવી પરિવારજનોને સુરક્ષિત રીતે સોંપી હતી.
આ પણ વાંચો : Ahmedabad News : મિત્રના વાસ્તુના આમંત્રણનો લાભ લઈને ચોરી, દરિયાપુરના બંધ ઘરમાંથી 23.10 લાખની મત્તા ચોરાઈ


