- 1700થી વધુ ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી
- છેલ્લા 15 દિવસથી ચાલી રહ્યો છે કેમ્પ
- દર વર્ષે 1500થી 2000 પક્ષીઓ ઈજાગ્રસ્ત થતા હોય છે
ઉત્તરાયણનો પર્વ મનુષ્ય માટે મજા અને અબોલ પક્ષીઓ માટે સજા સાબિત થતો હોય છે. ત્યારે આ વર્ષે પણ અમદાવાદ શહેરમાં ઘાતક દોરીથી 1700થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે. જો કે આવા અબોલ પક્ષીઓ માટે આ પર્વ દરમિયાન અનેક સમાજસેવી સંસ્થાઓ કાર્યરત હોય છે અને લાખો રૂપિયાના ખર્ચે અબોલ પક્ષીઓનો જીવ બચાવવાના પણ પ્રત્યન કરવામાં આવ્યો છે.
આ અંગે અમદાવાદ શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલી જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં અબોલ પક્ષીઓને બચાવવા માટે કેમ્પ યોજવામાં આવતો હોય છે. જેમાં ઘાયલ પક્ષીઓની તમામ પ્રકારની સારવાર વિના મૂલ્યે કરવામાં આવતી હોય છે. જેમાં આ વર્ષ જાન્યુઆરી મહિનાના 15 દિવસ સુધીમાં કુલ 1700થી વધુ ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી છે.
તેમજ ઘાયલ પક્ષીઓની અહીંયા નાની મોટી સર્જરી તેમજ પાંખનું ઇમ્પ્લાન્ટ પણ કરવામાં આવતું હોય છે. એટલું જ નહીં જ્યાં સુધી પક્ષી સંપૂર્ણ તંદુરસ્ત ના થાય ત્યાં સુધી તેની સારસંભાળ રાખવામાં આવતી હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે જેમ મનુષ્યને ICUમાં રાખવામાં આવતા હોય છે એમ ઓપરેશન પછી પક્ષીઓને પણ ICUમાં રાખવાની ફરજ પડતી હોય છે જેને લઈને અહીં પક્ષીઓના પલ્સ મોનીટર નિષ્ણાંતો સાથેનો ICU રૂમ પણ બનાવવામાં આવ્યો છે.
આ વચ્ચે ઉત્તરાયણ દરમ્યાન સરેરાશ 1500થી 2000 પક્ષીઓ ઈજાગ્રસ્ત થતા હોય છે. જો કે ચાલુ વર્ષે ઉત્તરાયણ દરમ્યાન પવન ઓછો હોવાના કારણે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઓછા પક્ષીઓ ઘાયલ થયા છે. દોરીથી ઘાયલ થયેલા એક પક્ષીની સારવાર તેમજ સર્જરી માટે 1000 રૂપિયાથી લઇને 5000 રૂપિયાનો ખર્ચ થતો છે. આ સાથે અમદાવાદ શહેરના 2000 જેટલા યુવાનો પક્ષીઓને બચાવવા માટે વોલેન્ટિયર તરીકે ફરજ બજાવીને અબોલ પક્ષીઓની મદદ કરી રહ્યા છે.


