- RTOના ડેટા મિસમેચ થતાં 50,000 વાહનોને નોટિસઃ 20 કરોડનો વેરો બાકી
- GPMC એક્ટમાં સુધારો કરાશે, પહેલી એપ્રિલ, 2024થી વ્યાજ/પેનલ્ટી અમલ
- અમદાવાદમાં રજિસ્ટર્ડ વાહન ચાલકો દ્વારા વ્હિકલ ટેક્સ ભરવામાં આવે છે
AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સના બાકી લેણાં પર વસૂલ કરવામાં આવતા 18 ટકા વ્યાજની જેમ હવે વ્હિકલ ટેક્સની બાકી રકમ તા. 31 માર્ચ, 2024 સુધીમાં ભરપાઈ કરવામાં નહીં આવે તો તેના પર પણ 18 ટકા દંડનીય વ્યાજ/પેનલ્ટી વસૂલવા માટે હિલચાલ હાથ ધરવામાં આવી છે. આ હેતુસર GPMC એક્ટમાં કલમ-142(3)નો ઉમેરો કરવા તેમજ AMC કમિશનર એમ. થેન્નારસનને સત્તા આપવા માટે રેવન્યુ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે અને આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં અને મ્યુનિ. બોર્ડમાં રજૂ કરીને મંજૂરી મેળવવામાં આવશે તેમજ લીગલ ખાતા દ્વારા ચકાસણી કરાવવામાં આવશે, વાંધા સૂચના મંગાવાશે અને તા. 1 એપ્રિલ, 2024થી વ્હિકલ ટેક્સની બાકી રકમ પર 18 ટકા વ્યાજ/પેનલ્ટીનો અમલ કરવામાં આવે તેવી શક્યતા છે. AMC હદની બહાર રજિસ્ટર્ટ થયેલા 50,000 જેટલા વાહનો પર અંદાજે રૂ. 20 કરોડ જેટલો વ્હિકલ ટેક્સ બાકી હોવાનું જાણવા મળે છે. AMCને 2022-23ના વર્ષ દરમિયાન વ્હિકલ ટેક્સની રૂ.186.29 કરોડની આવક થઈ હતી અને તા. 7 નવેમ્બર, 2023 સુધીમાં વ્હિકલ ટેક્સની રૂ.132.69 કરોડની આવક થઈ છે. RTO સુભાષ બ્રિજ અને વસ્ત્રાલ કચેરીમાંથી વ્હિકલ ટેક્સના ડેટા મેળવીને ક્રોસ ચેક કરવામાં આવતાં લગભગ 50,000 જેટલા વ્હિકલના ડેટા મિસમેચ જોવા મળ્યા છે અને 50 હજાર વાહનધારકોને નોટિસો આપવામાં આવી છે. વ્હિકલ ટેક્સની બાકી રકમ તા. 31 માર્ચ, 2023 સુધીમાં ભરી દેવામાં આવે તો વ્યાજ/પેનલ્ટી લાગુ પડશે નહીં.
રેવન્યુ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, અમદાવાદમાં રજિસ્ટર્ડ વાહન ચાલકો દ્વારા વ્હિકલ ટેક્સ ભરવામાં આવે છે. જો AMC હદની બહાર વાહન રજિસ્ટર્ડ થયું હોય અને મ્યુનિ. હદમાં તે વાહન નિયમિતપણે વાપરવામાં આવતું હોય તો તેને પણ વ્હિકલ ટેક્સ ભરવાનો થાય છે. RTO કચેરીમાંથી મંગાવાયેલા ડેટાની ચકાસણી કરાતાં ડેટા મિસમેચ જોવા મળ્યા પછી મ્યુનિ. દ્વારા બાકી વ્હિકલ ટેક્સ વસૂલવા સક્રિય વિચારણા કરવામાં આવી છે અને આગામી વર્ષથી અમલમાં મૂકાશે.


