- ડ્રેનેજ અને વોટરના વીજ બિલમાં પાલિકાને લાખોની બચત થશે
- પાલિકાને લાખો રૂપિયાના વીજ બિલમાંથી 40 ટકા જેટલો ફયદો થશે
- રોજ 1210 યુનિટ સોલર દ્વારા વીજળી ઉત્પન્ન થશે
બોરસદ નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી પાલિકા સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ, વોટર, વર્કસ અને એસટીપી પ્લાન્ટના વીજ બિલ ભરવા માટે જ હેરાન પરેશાન થઈ જતી હતી વારંવાર વીજ કંપની દ્વારા વીજ જોડાણ કાપી નાખવાની નોટિસો મળતી હતી. જ્યારે એક બે વખત તો વીજ જોડાણ કાપી પણ નાખવામાં આવ્યા હતા. આ કાયમી સમસ્યાના નિરાકરણ માટે બોરસદ નગરપાલિકા દ્વારા સોલર સિસ્ટમ બેસાડવાની સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને મંજૂરી મળી ગઈ હવેથી પાલિકાને લાખો રૂપિયાના વીજ બિલમાંથી 40 ટકા જેટલો ફયદો થશે.
બોરસદ નગરપાલિકા સુપરસિડ થઈ ગયેલ છે હાલ વહીવટદારનું શાસન છે. વહીવટદાર તરીકે બોરસદ પ્રાંત અધિકારી ચાર્જ સંભાળી રહ્યા છે. ઇતિહાસમાં પહેલીવાર બોરસદમાં પણ 75 વર્ષ બાદ ભાજપના ધારાસભ્ય રમણભાઈ સોલંકીનો વિજય થતા સરકાર દ્વારા પણ બોરસદ નગરપાલિકાને ખાસ સવલતો આપવાનું આયોજન કરેલ હોય તેના ભાગરૂપે સરકાર દ્વારા બોરસદ નગરપાલિકાને રૂપિયા 2.04 કરોડ રૂપિયા સોલર સિસ્ટમ લગાવવા માટે મંજૂર કરવામાં આવ્યા છે. જેની તમામ કાર્યવાહી જીયુડી દ્વારા કરાઈ રહી છે. નગરપાલિકાને કુલ 242 કિલો વોટ સોલર સિસ્ટમ લગાવવાનું કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. જેમાં જીમ ખાના મેદાન ખાતે 83 કિલો વોટ અને એસટીપી પંપીંગ સ્ટેશન ખાતે 156 કિલો વોટ સોલર સિસ્ટમ લગાવવામાં આવી રહી છે જેમાં રોજ 1210 યુનિટ સોલર દ્વારા વીજળી ઉત્પન્ન થશે. સમગ્ર ગામનું જોડાણ થશે ત્યારે ત્યાં ખૂબ જ લાઈટ બિલ આવશે જેને લઇ ત્યાં સોલરનો મોટો પ્લાન્ટ બેસાડવામાં આવ્યો છે.


