- કચ્છથી વતન પૂના જતા સિંધી પરિવારની કાર ખાઇમાં પટકાતા 2 યુવાનોનાં મોત, 3ને ઈજા
- બીજા અકસ્માતમાં રોડ ક્રોસ કરી રહેલા યુવાનને ડમ્પરે અડફેટે લેતા ગંભીર ઈજા થતા સારવાર હેઠળ
- 6 અકસ્માતોમાં 8 માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઇ જતા અરેરાટી ફેલાઇ જવા પામી
અકસ્માત ઝોન બનેલા સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર રવિવાર ગોઝારો બન્યો હોય તેમ 8 કલાકમાં અલગ- અલગ 2 અકસ્માતમાં 2 માનવ જીંદગી હોમાઇ જવા સાથે કુલ 4 લોકોને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. સવારના સમયે સાયલા હાઇવે પર અમદાવાદ તરફ્ જતી એક કારના ચાલકે કાબુ ગુમાવતા પલ્ટી ખાતા સર્જાયેલા અકસ્માતમાં ચાલક તથા વેપારી યુવાનના સ્થળ પર જ મોત નિપજયા હતા તેમજ સાથે રહેલા વેપારીના પત્ની, પુત્ર તેમજ પુત્રીને ઇજાઓ થતા સુરેન્દ્રનગર ખસેડાયા હતા.
સાયલા હાઇવે પર સર્જાયેલા પ્રથમ અકસ્માતની મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના પુનાથી કચ્છમાં પ્રસંગ પતાવી પરત વતન જવા નિકળેલા સંજયકુમાર ગોવીંદરામ લુંડ તેમના પત્ની રીશીકાબેન, પુત્ર ધીરજ, પુત્રી રીચા તેમજ મિત્ર ચકર્ધન રાઠોડની કાર નવા સુદામડા વટાવી સાયલા તરફ્ આવી રહી હતી તે સમયે ચાલકે કાબુ ગુમાવતા કાર ગલોટીયા ખાઈ બાજુની ખાઇમાં પટકાઇ હતી. સવારના સમયે સર્જાયેલો અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો ખુરદો બોલી જવા સાથે આગળ બેસેલા સંજયભાઇ તેમજ ચક્રધન રાઠોડને ગંભીર ઇજાઓ થવાથી સ્થળ પર જ તેઓનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું જયારે તેમના પત્ની, પુત્ર, પુત્રી ઇજાગ્રસ્ત થયા હતા.પોલીસ તેમજ સેવાભાવી લોકો દ્વારા કારમાં ફ્સાયેલા તમામ ને બહાર કાઢી 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા.
સાયલા પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે બનેલ બીજા અકસ્માતની પ્રાપ્ત માહિતી અનુસાર, ચુડા તાલુકાના છતરીયાળા ગામના દશરથભાઇ રણછોડભાઇ મકવાણા નામના યુવાન પોતાનું બાઇક ગેરેજે મૂકી વસ્તુ લેવા રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે યમદુત બનીને પૂરપાટ ધસી આવેલા કાળમુખા ડમ્પરે અડફેટે લેતા તેમના હાથે તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેઓ રોડ પર લોહી નિંકળતી હાલતમાં પડી ગયા હતા. અકસ્માત જોતા જ આજુબાજુના લોકો દોડી ગયા હતા અને તુરંત ઘાયલ યુવાનને સાયલા સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતા. ઉલ્લેખનીય છે કે, એક મહિનાના ટૂંકા ગાળામાં સાયલા હાઇવે પર સર્જાયેલા કુલ 6 અકસ્માતોમાં 8 માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઇ જતા અરેરાટી ફેલાઇ જવા પામી છે.


