- મે મહિનામાં યોજાશે લંડનના મેયરની ચૂંટણી
- હાલના મેયર સામે મેદાને ઉતર્યા બે મૂળ ભારતીય
- મેયર સાદિક ખાન સામે આકરા પડકારો
લંડનના મેયરની ચૂંટણી ઘણી મહત્વની બની રહી છે. વાસ્તવમાં ભારતીય મૂળના લોકોનું વર્ચસ્વ વધી રહ્યું છે. આનો પુરાવો બ્રિટનમાં ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનક છે. નવા ઘટનાક્રમમાં, બે ભારતીય મૂળના ઉદ્યોગ સાહસિકો લંડન મેયરની ચૂંટણી લડી રહ્યા છે. મેયર સાદિક ખાન આકરા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.
અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા ભારતીય મૂળના બે ઉદ્યોગસાહસિકોમાંના એક છે 63 વર્ષીય ઉદ્યોગપતિ તરુણ ગુલાટી. તેઓ ગયા વર્ષના અંતમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે મેયર પદ માટે ચૂંટણી પ્રચાર પણ શરૂ કર્યો હતો. તો અન્ય બીજા ઉમેદવાર 62 વર્ષના ઉદ્યોગસાહસિક શ્યામ ભાટિયા પણ રાજકીય લડાઈમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે. સાદિક ખાન સિવાય લગભગ 12 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ગુલાટીએ ચૂંટણી સ્લોગન તરીકે ‘વિશ્વાસ અને વિકાસ’ પર ભાર મૂક્યો છે, જ્યારે ભાટિયાએ ‘આશાના રાજદૂત’ તરીકેનું સૂત્ર આપ્યું છે.
મીડિયા અહેવાલો મુજબ, ગુલાટીએ તેમના ચૂંટણી પ્રચાર વિશે કહ્યું હતું કે એવી ધારણા વધી રહી છે કે ચાલુ મેયર સમર્થન ગુમાવી ચૂક્યા છે. પક્ષના અન્ય મુખ્ય દાવેદાર પ્રત્યે મતદારો ખૂબ જ ઉદાસીન જણાય છે. આવી સ્થિતિમાં તેમણે લંડનના આગામી મેયર બનવા માટે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે તેઓ કોઈપણ પક્ષની વિચારધારા અથવા પક્ષપાત વિના વિચારો અને નીતિઓના મુક્ત પ્રવાહને પ્રોત્સાહિત કરવા માગે છે. તેમણે કહ્યું કે તેમની પાસે મોટા પ્રમાણમાં સ્થાનિક લોકોના મંતવ્યો આવી રહ્યા છે. તેઓ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. નિર્ણય લેવાની પ્રક્રિયામાં નાગરિકોને પણ સામેલ કરવાનું શક્ય છે.
દિલ્હીમાં જન્મેલા રાજકીય સલાહકાર તરુણ ગુલાટી 20 વર્ષથી વધુ સમયથી લંડનમાં રહે છે. તેમણે વધુમાં જણાવ્યું કે લંડનને દરેક માટે સુરક્ષિત બનાવવું, લંડનનો ફરી વિકાસ કરાવવો અને સમુદાયોને મજબૂત બનાવવું એ શહેરની ટોચની પ્રાથમિકતાઓમાં સામેલ છે.


