જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર
રૂરલ એસઓજીની કાર્યવાહી, રૂ.1.61 લાખનો મુદામાલ જપ્ત; છૂટક વેચાણ પહેલા જ આરોપી દબોચાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લામાં માદક પદાર્થો સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બનતી જઈ રહી છે. ગોંડલ નજીક જામવાડી GIDC વિસ્તારમાં રૂરલ એસઓજીની ટીમે 2 કિલો ગાંજાના જથ્થા સાથે આસીફ ઉર્ફે ભત્રીજો હાજી ઠેબા નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી ગોંડલના વોરા કોટડા રોડ વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આસીફ આ ગાંજાનો જથ્થો છૂટકમાં વેચાણ કરવા નીકળ્યો હતો, પરંતુ તે પહેલાં જ ટીમે તેને દબોચી લીધો હતો.
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થોની હેરફેર રોકવા માટે ખાસ અભિયાન હાથ ધરાયું છે. આ દરમિયાન એસઓજી પીઆઈ એફ.એ. પારગી અને પીએસઆઈ પી.બી. મિશ્રાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જામવાડી GIDC વિસ્તારમાં નાયરા પેટ્રોલ પંપ પાછળની ગલીમાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં એક્ટિવા પર પસાર થતો હોવાની બાતમી મળી હતી. પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને અટકાવ્યો અને એક્ટિવાની ડેકી તપાસતા અંદરથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પકડાયેલા આસીફે પૂછપરછ દરમિયાન કબૂલ્યું કે આ ગાંજો તેને ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં રહેતા જયરાજ જવાનસંગ ચૌહાણ પાસેથી મળ્યો હતો. તે આ ગાંજાને નાના પેકેટમાં વેચાણ કરવાની તૈયારીમાં હતો. પોલીસે આસીફ પાસેથી અંદાજે રૂ.1 લાખનો ગાંજો સહિત કુલ રૂ.1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે અને ફરાર સપ્લાયર જયરાજ ચૌહાણને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે. ચૂંટણી નજીક આવતા પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી રહ્યું છે.


