- તા. 31ના રોજ જિન કમ્પાઉન્ડમાં ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાશે
- 26 જાન્યુઆરીએ દીક્ષા મહોત્સવ બાદ ફરીએક વાર દીક્ષાનો પ્રસંગ
- જૈન સમાજમાં હરખની હેલી છવાઈ છે
સુરેન્દ્રનગરના જીન કમ્પાઉન્ડમાં તા. 31 જાન્યુઆરીએ ર દિક્ષાર્થીઓ અસાર સંસારનો ત્યાગ કરીને પ્રભુ મહાવીરે બતાવેલા મોક્ષના માર્ગે પ્રયાણ કરી રહ્યા છે. તા. 26 જાન્યુઆરીએ દીક્ષા મહોત્સવ બાદ ફરીએક વાર દીક્ષાનો પ્રસંગ આવતા શહેરના જૈન સમાજમાં હરખની હેલી છવાઈ છે.
ગત 26મી જાન્યુઆરીએ જ લીંબડી ગોપાલ સંપ્રદાયમાં ર દીક્ષાર્થીનો દીક્ષા મહોત્સવ યોજાયો હતો. ત્યારે આગામી તા. 31મી જાન્યુઆરીના રોજ લીંબડી અજરામર સંપ્રદાયમાં ર દીક્ષાર્થી દીક્ષા અંગીકાર કરી રહ્યા છે. શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન સંઘ, કેરીબજાર આયોજીત આ દીક્ષા મહોત્સવમાં પીપરડીના વતની અને હાલ સુરેન્દ્રનગર રહેતા ધાર્વીબેન હર્ષદભાઈ શાહ તથા વઢવાણના વિપુલભાઈ નગીનભાઈ શેઠની આત્મજા દર્શનીબેન આજના ઈન્ટરનેટ યુગમાં ઉછરેલી હોવા છતાં ભૌતીક સુવીધાઓનો ત્યાગ કરી લીંબડી અજરામર સંપ્રદાયમાં ધૈર્ય મુનીની નિશ્રામાં પ્રવજયા પંથે પ્રયાણ કરી રહી છે. ભવ્ય દીક્ષા મહોત્સવ અંતર્ગત તા. 29ને સોમવારે સવારે 7-30 કલાકે બન્ને દીક્ષાર્થીના ઘરે માળા મુર્હુત, 9-રપ કલાકે મહાવીરાલયમાં ઉજ્જવળ સ્વસ્તીક વીધી યોજાઈ હતી. જયારે આજે તા. 30ના રોજ જીન કમ્પાઉન્ડમાં સવારે 9-00 કલાકે બહુમાન અને વરસીદાન અને બપોરે 2-30થી 4-30 દરમીયાન દીક્ષાર્થીની વિદાય યોજાશે. આ ઉપરાંત તા. 31 જાન્યુઆરીને બુધવારે જીન કમ્પાઉન્ડમાં બનાવેલ અજરામર ઉજ્જવળ સંયમ વાટીકામાં ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાશે.


