- 500 મે.વો. વીજળી એક્સ્ચેન્જમાંથી ખરીદવી પડી રહી છે !
- રિન્યૂઅલ એનર્જીમાં સ્થાપિત ક્ષમતા સામે માંડ 28% ઉત્પાદન
- ક્ષમતાના લિગ્નાઇટ એકમોમાંથી 50 ટકા વીજળી મળી રહ્યાનો દાવો
વીજળીની જરૂરિયાતમાં સરપ્લસ સ્ટેટનો દાવો કરતા ગુજરાતને અત્યારે 20,500 મેગાવોટની માગમાં પણ 500થી 600 મેગાવોટ વીજળી પાવર એક્સ્ચેન્જ કોર્પોરેશન પાસેથી યુનિટદીઠ અંદાજે રૂ. 3.80ના ભાવમાં ખરીદવી પડી રહી છે.
સરકારી વીજ જનરેશન કંપની જીસેક હેઠળના 970 મેગાવોટ ક્ષમતાના ગેસ આધારિત મથકો અને 547 મેગાવોટ ક્ષમતાના હાઇડ્રોમથકો ઘણા સમયથી ઠપ હાલતમાં છે. જ્યારે કોલસા અને લિગ્નાઇટ આધારિત મથકોમાંથી આશરે 3,000 મેગાવોટ વીજ જનરેટ થઈ રહી હોવાનો દાવો થઈ રહ્યો છે, જે પૈકી લિગ્નાઇટ આધારિત મથકોમાંથી 375 મેગાવોટ અને કોલસા આધારિત 4,510 મેગાવોટ ક્ષમતાના એકમોમાંથી આશરે 2,625 મેગાવોટ વીજળી પેદા થઈ રહી છે. ભાવનગરના અઢીસો-અઢીસો મેગાવોટના બે લિગ્નાઇટ એકમોમાં ટેક્નિકલ સમસ્યાને લીધે 200 મેગાવોટ ઓછું જનરેશન થઈ રહ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે અને કચ્છના 150 મેગાવોટ ક્ષમતાના લિગ્નાઇટ એકમોમાંથી 50 ટકા વીજળી મળી રહ્યાનો દાવો થઈ રહ્યો છે.
સૂત્રો કહે છે કે, રાજ્ય સરકાર વિન્ડ અને સોલાર એકમોમાંથી મોટાપાયે વીજળી મેળવવાનો દાવો તો કરે છે, પણ કુલ 15,628 મેગાવોટની રિન્યુઅલ એનર્જીની સ્થાપિત ક્ષમતામાંથી માંડ 28 ટકા જનરેશન મેળવાઈ રહ્યું છે. પવન ઊર્જાની 7,550 મેગાવોટ ક્ષમતામાંથી માંડ 200 મેગાવોટ અને 7,938 મેગાવોટ ક્ષમતાવાળા સોલાર એકમોમાંથી 4,200 મેગાવોટ વીજળી અત્યારે પ્રાપ્ત થતી હોવાનું જણાવાઈ રહ્યું છે.
બાકીની 13,100 મેગાવોટ વીજળીની જરૂરિયાત ખાનગી એકમોમાંથી તથા સેન્ટ્રલ સેક્ટરમાંથી મેળવાઈ રહી છે. એનટીપીસી તથા ન્યુક્લિયર એનર્જીના એકમોમાંથી 7,500 મેગાવોટ અને ખાનગી એકમો પાસેથી 5,500 મેગાવોટ વીજળી રાજ્યને મળી રહી છે.
આ સૂત્રો કહે છે કે, વિન્ડ અને સોલાર એકમોમાંથી વધારે વીજળી મેળવવી હોય તો સ્ટોરેજ સુવિધા ઊભી કરવી પડે અને એ ઊભી કરવામાં હજી ઓછામાં ઓછા 10 વર્ષ નીકળી જશે.


