આટલું વિદેશી ચલણ આવ્યું કયાંથી? પોલીસ ગોથે ચડી
USA સહિત ર૦ દેશની ર.૭૧ કરોડની નોટના થપ્પા લાગ્યા: વડોદરા લુંટ કેસમાં નવો વળાંક
લુંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ પાંચ આરોપીને દબોચી લીધા
અગ્ર ગુજરાત, વડોદરા
વડોદરાના વારસિયા વિસ્તારમાં ગિફ્ટ શોપના વેપારીને માર મારીને ભારતીય અને વિદેશી કરન્સી સહિત 10 લાખ રૂપિયાની રોકડ લૂંટ કરવાના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વધુ 5 આરોપીની ધરપકડ કરી છે. અત્યાર સુધી આ કેસમાં 7 આરોપી પકડાયા છે.
આ લૂંટની સંપૂર્ણ રોકડ તથા વિદેશી ચલણી નોટો પણ મળી આવી છે. આ સાથે જ 20 દેશોની 7808 ચલણી નોટો પણ મળી આવી છે. જેની રકમ ભારતીય ચલણ પ્રમાણે 2.71.કરોડ રૂપિયા થાય છે, ત્યારે સવાલ એ થાય છે કે લૂંટ માત્ર 10 લાખ રૂપિયાની થઈ હતી તો આટલી મોટી રકમ ક્યાંથી આવી? આ બાબતે ક્રાઈમ બ્રાન્ચ વેપારીની પણ પૂછપરછ કરશે. સવાલ એ થાય છે કે શું લૂંટ 2.71 કરોડ રૂપિયાની થઈ હતી. જોકે આટલી મોટી રકમ બાબતે ક્રાઈમ બ્રાન્ચ પાસે પણ હજી કોઈ જવાબ નથી.
ગત 16 જાન્યુઆરીના રોજ રાત્રિના વડોદરાના કારેલીબાગ જીવન ભારતી સ્કુલ નજીક આવેલ પોતાની ગિફ્ટ શોપ બંધ કરીને કારમાં બેસીને વૃદ્ધ વેપારી લીલારામ રેવાણી વારસિયા રિંગ રોડ પર આવેલ ચતુરભાઈ પાર્ક સોસાયટીમાં પોતાના ઘરે પહોંચ્યા હતા. ગાડી પાર્ક કરી નીચે ઉતરતા જ તેમને ચાર યુવાનોએ મોં પર કાળા કપડા બાંધીને હુમલો કર્યો હતો. એકે તેમની ફેટ પકડીને તેમને છાતી પર ઘા માર્યા હતા, બીજાએ આંખમાં મરચાની ભૂકી નાખી હતી અને અન્ય લૂંટારાઓએ કાર પાછળની સીટ પર મૂકેલી 10 લાખ રૂપિયા ભરેલી હેન્ડબેગ તથા નાસ્તાની થેલીઓ લઈ લીધી હતી.
દરમિયાન નાસ્તાની થેલીઓ રસ્તામાં ફેંકી દઈને આરોપીઓ એક્ટિવા અને બાઇક પર નાયરા પેટ્રોલ પંપ તરફ ભાગી ગયા હતા. આ ઘટના બાદ વારસિયા પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાયો હતો. ગુનામાં સંડોવાયેલા એક આરોપીનું ટુ-વ્હીલર ચાલુ ન થતા તેને સ્થળ પરથી સ્થાનિક લોકોએ પકડી લીધો હતો. એક આરોપીને વારસિયા પોલીસે ઝડપી પાડ્યો હતો.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સઘન તપાસ હાથ ધરી ભુતડી ઝાંપા રોડ પરથી હિરેન મિનેષભાઈ વસાવા (ઉં. 20, રહે. આણંદ)ને લૂંટેલી હેન્ડબેગ સાથે ઝડપી પાડ્યો હતો. બેગમાંથી ભારતીય ચલણ સાથે વિવિધ વિદેશી કરન્સીની મોટી સંખ્યામાં નોટો મળી આવી હતી. સઘન પૂછપરછમાં હિરેન ભાંગી પડ્યો અને ખુલાસો કર્યો કે આ લૂંટ વારસીયા રહેતા શનાભાઈ ઉર્ફે ભલાભાઈ ચંદુભાઈ વાઘેલા (ઉં. 35)ની ટીપ આધારે કરવામાં આવી હતી.
પોલીસે શનાભાઈ ઉર્ફે ભલાભાઈ ચંદુભાઈ વાઘેલા, આકાશ વિરૂભાઈ દેવીપુજક, રવિ મુન્નાભાઈ ઠાકોર (ઉંમર.22) – રહે. રાધિકા પાર્ક, આણંદ , અતુલ અશોકભાઈ દેવીપુજક 5. હિરેન મિનેષભાઈ વસાવા
રાહુલ રમેશભાઇ મારવાડી ઉમર.20 રહે. મહાકાળી વુડા સયાજી ટાઉનશિપ સામે આજવા રોડ વડોદરા શહેર, અનિલ મગનભાઇ પરમારને ઝડપી લીધા હતાં.
ટીપના આધારે મોઢે કાળા કપડાં બાંધી ત્રાટક્યા હતા આરોપી શનાભાઈ વાઘેલાએ વેપારીના દુકાન-ઘરની રેકી કરી, આવન-જાવનનો સમય જાણી અન્ય આરોપીઓને ટીપ આપી હતી. તેઓએ મોંઢે કાળા કપડાં બાંધી ઓળખ છુપાવી અને વાહનોના નંબર પ્લેટ કાઢી નાખ્યા હતા. લૂંટ પછી હેન્ડબેગ હિરેનને સોંપવામાં આવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આ ગંભીર લૂંટનો પર્દાફાશ કરી સંપૂર્ણ મુદ્દામાલ (હેન્ડબેગ, રોકડ, વિદેશી કરન્સી, મોબાઇલ ફોન-4) કબજે કર્યો છે.


