- જો બાઈડને નેતન્યાહુ સાથે કરી ફોન વાતચીત
- મેં તેમની સાથે યુદ્ધવિરામ અંગે કોઈ વાત કરી નથી
- ગાઝામાં વધતી જાનહાનિ અને માનવીય સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ગાઝા પટ્ટીમાં યુદ્ધ ચાલુ છે. ઇઝરાયેલની સેના હમાસને ખતમ કરવા પર તત્પર છે. વિશ્વભરના ઘણા દેશોના વડાઓ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી છે.
વોશિંગ્ટનમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે જો બાઈડને કહ્યું હતું કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે તેમની લાંબી વાતચીત થઈ છે અને તે વ્યક્તિગત વાતચીત હતી. તેમણે કહ્યું હતું કે મેં તેમની સાથે યુદ્ધવિરામ અંગે કોઈ વાત કરી નથી. જો કે, ગાઝામાં વધતી જાનહાનિ અને માનવીય સંકટ અંગે ચિંતા વ્યક્ત કરતા અમેરિકાએ ઈઝરાયેલને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું છે. આ યુદ્ધમાં પેલેસ્ટાઈનમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 20,258 પર પહોંચી ગયો છે.
નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવે
વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાષ્ટ્રપતિએ માનવતાવાદી સહાય કામગીરીને સમર્થન આપનારા સહિત નાગરિક વસ્તીની સુરક્ષાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે લડાઈવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની મંજૂરી આપવાની માગણી ઉઠાવી હતી.
ગાઝામાં યુદ્ધવિરામ અને કેદીઓની અદલાબદલીને લઈને ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના બીજા રાઉન્ડના કરાર પર હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઇજિપ્તની મધ્યસ્થી હેઠળ બંને પક્ષો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. ગયા મહિનાના અંતમાં એક અઠવાડિયા સુધી ચાલેલા યુદ્ધવિરામ દરમિયાન હમાસે ઇઝરાયેલી જેલમાં બંધ 240 પેલેસ્ટિનિયનોના બદલામાં 80 ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યા હતા.
આ વખતે પણ ઇજિપ્ત કતાર સાથે એક સપ્તાહના યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરી રહ્યું છે. ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગે હમાસ દ્વારા બંધક બનાવાયેલા તેના નાગરિકોને પરત કરવા ગાઝામાં યુદ્ધવિરામ માટે તૈયારી દર્શાવી છે.


