- પોસ્ટ ઓફિસ દ્વારા પણ થઈ શકશે નોટ જમા
- બેંક માટે પણ જમા કરાવવાની પ્રક્રિયા બનશે સરળ
- 19 ઈસ્યુ ઓફિસમાં ઉપલબ્ધ કરાશે એક્સચેન્જની સુવિધા
ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ પર મોટી જાહેરાત કરી છે. આરબીઆઈનું કહેવું છે કે રૂ. 2000ની નોટ લીગલ ટેન્ડર રહેશે. RBI એ 19 મે 2023 ના રોજ ચલણમાંથી રૂ. 2000 ની બેંક નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. બેંક નોટો જમા કરાવવા અથવા બદલવાની સુવિધા શરૂઆતમાં 30 સપ્ટેમ્બર 2023 સુધી દેશની તમામ બેંક શાખાઓમાં ઉપલબ્ધ હતી જે બાદમાં 7 ઓક્ટોબર 2023 સુધી લંબાવવામાં આવી હતી. RBIએ હવે તેનું નોટિફિકેશન બહાર પાડીને નવું અપડેટ આપ્યું છે.
આરબીઆઈ ઓફિસ નહીં જવું પડે
આરબીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે રૂ. 2000ની બેંક નોટ જમા કરાવવા અથવા એક્સચેન્જ કરવાની સુવિધા આરબીઆઈની 19 ઈસ્યુ ઓફિસમાં ઉપલબ્ધ કરાશે. લોકોને ઈન્ડિયા પોસ્ટની પોસ્ટ ઓફિસ દ્વારા રૂ. 2000ની નોટો મોકલવાની સુવિધાનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે. આમ કરવાથી બેંકને નોટ જમા કરાવવા માટે આરબીઆઈ ઓફિસ જવાની જરૂર નહીં રહે. 2000 રૂપિયાની બેંક નોટો લીગલ ટેન્ડર રહેશે.
કોઈપણ પોસ્ટ ઓફિસ દ્વારા જમા કરાવી શકાય છે નોટો
આરબીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે 19 મે 2023થી રિઝર્વ બેંકની 19 ઈસ્યુ ઓફિસો પર પણ રૂ. 2000ની નોટ બદલવાની સુવિધા ઉપલબ્ધ હતી. આ પછી 9 ઓક્ટોબર 2023 થી આરબીઆઈની ઇશ્યુ ઓફિસમાં પૈસા બદલવાની સુવિધા પણ ઉપલબ્ધ થશે. વ્યક્તિઓ/એન્ટિટી દ્વારા તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે રૂ. 2000 ની બેંક નોટો કાઉન્ટર પર સ્વીકારવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકો ભારતીય પોસ્ટ દ્વારા 2000 રૂપિયાની બેંક નોટ દેશની કોઈપણ પોસ્ટ ઑફિસમાંથી તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે આરબીઆઈની કોઈપણ ઑફિસને મોકલી શકે છે. આ માટે લોકોએ એક ફોર્મેટ ભરવાનું રહેશે.
97 ટકા નોટો આવી પરત
જ્યારે 2000 રૂપિયાની બેંક નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે 19 મે 2023ના રોજ ચલણમાં રહેલી રૂ. 2000ની બેંક નોટોની કુલ કિંમત રૂ. 3.56 લાખ કરોડ હતી. જે 31 ઓક્ટોબર 2023નાં રોજ ઘટીને રૂ. 0.10 લાખ કરોડ થઈ ગઈ છે. આ રીતે 19 મે 2023 સુધીમાં 2000 ની 97% થી વધુ બેંક નોટો ફરી ચલણમાં આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે લોકોને નોટો જમા કરાવવામાં અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના કારણે RBI દ્વારા આ સુવિધા આપવામાં આવી છે.