- 2019 લોકસભા ચૂંટણીમાં ઉત્તર, પશ્ચિમ, મધ્ય ભારતમાં ભાજપને મોટા ભાગની સીટો જીતવામાં સફળતા મળી હતી
- દેશભરમાં ચૂંટણીનો માહોલ ગરમાવા લાગશે
- કોંગ્રેસને ઉત્તર ભારતમાં 11 સીટ, અને મધ્ય ભારતમાં ત્રણ સીટ પર જીત મળી હતી
લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ દેશભરમાં ચૂંટણીનો માહોલ ગરમાવા લાગશે. સત્તાધારી ભાજપે પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત કરી દીધી છે. તેના સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 માર્ચથી દક્ષિણી રાજ્યોની યાત્રાઓ શરૂ કરી દીધી છે. આની પહેલાં પણ અયોધ્યામાં રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં પીએમ મોદીએ દક્ષિણ ભારતનાં મંદિરોનું ભ્રમણ કર્યું હતું અને દર્શન-પૂજન કર્યાં હતાં. બીજી તરફ કોંગ્રેસ પણ દેશભરમાં પોતાના ગઠબંધનના સાથીઓ સાથે સીટોની વહેંચણીના કામમાં સક્રિય છે. તો ચાલો, જાણીએ કે 2019ની લોકસભાની ચૂંટણીમાં ક્ષેત્રવાર પરિણામો કેવાં હતાં? કયા ક્ષેત્રમાં કઈ પાર્ટીને વધારે સીટો મળી હતી અને કોને ક્યાં ઝટકો લાગ્યો હતો?
ઉત્તર ભારતમાં ભાજપની જીત થઈ
ઉત્તર ભારતમાં લોકસભાની કુલ 205 સીટો છે. આ સીટો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલપ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ મળીને કુલ 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની છે. ગઈ લોકસભા ચૂંટણીમાં 205માંથી 146 સીટો ભાજપના ખાતામાં ગઈ હતી. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના માત્ર 11 ઉમેદવારોએ જ જીત મેળવી હતી. જ્યારે 48 સીટો પર અન્યની જીત થઈ હતી.
દક્ષિણ ભારતમાં ભાજપ-કોંગ્રેસ કરતાં પ્રાદેશિક પક્ષો આગળ રહ્યા
આ ક્ષેત્રમાંથી કુલ 132 સાંસદ ચૂંટાઈને આવે છે. દક્ષિણ ભારતની આ સીટો તામિલનાડુ, કેરળ, કર્ણાટક, તલંગાણા, આંધ્રપ્રદેશ, પુડુચેરી, લક્ષદ્વીપ, આંદાનામ-નિકોબાર જેવાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 132 સીટોમાંથી કોંગ્રેસ અને ભાજપ બંનેને 29-29 સીટો પર જીત મળી હતી, જ્યારે પ્રાદેશિક પક્ષોના 74 સાંસદો લોકસભા પહોંચ્યા હતા.
પશ્ચિમ ભારતમાં કોંગ્રેસ બે સીટોમાં સમેટાઈ
આ ક્ષેત્રમાંથી લોકસભાની કુલ 78 સીટો છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દાદરાનગર હવેલી, દમણ-દીવનો સમાવેશ થાય છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં ભાજપને 78માંથી 51 સીટો પર જીત મળી હતી, જ્યારે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના માત્ર બે ઉમેદવાર જ લોકસભા માટે ચૂંટાયા હતા. જ્યારે અન્ય દળોના 25 સાંસદો ચૂંટાયા હતા.
પૂર્વ ભારતનાં અન્ય દળો અને ભાજપની ટક્કર હતી
દેશના આ ભાગમાંથી કુલ 88 સાંસદ લોકસભામાં જાય છે. આ સાંસદ પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, અરુણાચલપ્રદેશ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ, નાગાલેન્ડ જેવાં દશ રાજ્યોમાંથી ચૂંટાય છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં 88માંથી 40 સીટો પર ભાજપને સફળતા મળી હતી. બીજી તરફ કોંગ્રેસના માત્ર સાત સાંસદ લોકસભામાં ગયા હતા. આ ઉપરાંત, 41 સાંસદ અન્ય પક્ષોમાંથી જીતીને સંસદ ભવન પહોંચ્યા હતા.
મધ્ય ભારતમાં કોંગ્રેસ ત્રણ સીટ જ જીતી શકી
આ ક્ષેત્રમાંથી કુલ 40 લોકસભા સીટ છે. જ્યાં મધ્યપ્રદેશથી લોકસભાના 28 સાંસદ ચૂંટાય છે, તો છત્તીસગઢમાં 11 સીટ છે. ગઈ ચૂંટણીમાં 40માંથી 37 સીટો પર ભાજપને જીત મળી હતી, જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર ત્રણ સીટ જ આવી હતી.


