- રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારામનનું ચોંકાવનારું નિવેદન
- કરદાતાઓની મુશ્કેલીઓ નિવારવા GST વિભાગ દ્વારા પ્રયાસો
- રાજ્ય સ્તરે રૂ. 8805 કરોડની અને કેન્દ્ર સ્તરે રૂ. 15,205 કરોડની કરચોરી
સરકાર દ્વારા છેલ્લા બે મહિનામાં હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશમાં GSTનાં 21,791 બોગસ રજિસ્ટ્રેશન તેમજ રૂ. 24,000 કરોડની કરચોરી ઝડપાયા હોવાનું કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું. સીતારામને કહ્યું કે પ્રમાણિક કરદાતાઓનાં હિતો જાળવવા તેમજ કરદાતાઓને પડનાર મુશ્કેલીઓ નિવારવા GST વિભાગ દ્વારા વખતોવખત સૂચનાઓ આપવામાં આવી રહી છે અને અધિકારીઓને તેમની સત્તાનો ઉપયોગ કરતી વખતે યોગ્ય કાળજી રાખવા કહેવામાં આવ્યું છે. ખાસ કરીને સમન્સ બજાવતી વખતે તેમજ પ્રોપર્ટી ટાંચમાં લેતી વખતે અને ટેક્સ ક્રેડિટ બ્લોક કરતી વખતે સાવધાની રાખવા અને કાળજી રાખવા આદેશ આપવામાં આવ્યા છે.
જીએસટી અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા કુલ 21,791 કંપનીઓ કે જેમણે GST રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પણ અસ્તિત્વ ધરાવતી ન હોવાનું જણાયું હતું. આમાં સ્ટેટ ટેક્સ સત્તાવાળાઓ હેઠળની 11392 અને CBIC હેઠળની 10,399 કંપનીઓએ બોગસ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. કંપનીઓ દ્વારા કરવામાં આવેલી કુલ 24,010 કરોડની કરચોરી પકડવામાં આવી હતી. જેમાં રાજ્ય સ્તરે રૂ. 8805 કરોડની અને કેન્દ્ર સ્તરે રૂ. 15,205 કરોડની કરચોરી કરાઈ હતી. GST અધિકારીઓ દ્વારા 16મી મેથી 15 જુલાઈ સુધી હાથ ધરાયેલી ખાસ ઝુંબેશમાં બોગSસ રજિસ્ટ્રેશન અને કરચોરી ઝડપાઈ હતી.
રજિસ્ટેશન પ્રોસેસમાં સુધારા ગુજરાતમાં પાયલટ પ્રોજેક્ટ
જીએસટીનાં નિયમોને વધુ મજબૂત બનાવવા રજિસ્ટ્રેશનની પ્રોસેસમાં સુધારા કરવામાં આવ્યા છે. જેમાં બાયો મેટ્રિક્સને આધારે આધાર ઓથેન્ટિકેશન કરવાની સાથે દસ્તાવેજોની અસલ કોપીની ચકાસણીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આ માટે જુલાઈમાં પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો જે હવે પુડ્ડુચેરીમાં હાથ ધરાયો છે અને નવેમ્બરમાં આંધ્રપ્રદેશમાં પણ શરૂ કરાયો છે. રજિસ્ટ્રેશનની મંજૂરીનાં 30 દિવસમાં કે આઉટવર્ડ સપ્લાય સ્ટેટમેન્ટ રજૂ કરતા પહેલામાંથી જે પહેલું હોય તે રીતે બેન્ક ખાતાની વિગતો, રજિસ્ટર્ડ વ્યક્તિનું નામ અને પાન નંબરની વિગતો રજૂ કરવાની રહેશે. જે વ્યક્તિ કે સંસ્થા દ્વારા બેન્ક ખાતાની વિગતો જાહેર કરાઈ નહીં હોય તેને સિસ્ટમ દ્વારા આપોઆપ સસ્પેન્ડ કરાશે.


