- દેશમાં માઈક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યોગોમાં 1 કરોડથી વધુ રોજગારી આપતા 6 રાજ્યો
- ઓરિસ્સા, બિહાર, ઉત્તરપ્રદેશ અને મધ્ય પ્રદેશમાંથી લોકો ગુજરાત કામ માટે આવે છે
- ઓટોમેશન ઓછુ હોવાથી વધુ રોજગારી આપી શકે છે
ગુજરાતને ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ માનવામાં આવે છે અને એટલે જ અહીં બહોળા પ્રમાણમાં માઈક્રો, સ્મોલ એન્ડ મીડીયમ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) આવેલા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે સંસદમાં આંકડા જાહેર કર્યા તે મુજબ ગુજરાતમાં 21.87 લાખથી વધુ MSME એકમો નોંધાયેલા છે. આ એકમો 1 કરોડથી વધુ લોકોને રોજગારી આપી રહ્યું છે. MSMEમાં રોજગારીના મામલે ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. રાજ્યના દર એક સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગમાં સરેરાશ 4-5 લોકો કામ કરે છે. બિહારના શિવહરના સાંસદ રમી દેવી અને મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણાએ MSME ઉદ્યોગો માટે પૂછેલા સવાલના જવાબમાં આ માહિતી MSME મંત્રી નારાયણ રાણેએ સંસદમાં આપી હતી.
ઓટોમેશન ઓછુ હોવાથી વધુ રોજગારી આપી શકે છે
સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ અજિત શાહે જણાવ્યું કે, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોઈએ તો MSME ઉદ્યોગો અંદાજે 2 કરોડથી વધુ લોકોને રોજગારી આપી રહ્યા છે. સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોમાં સૌથી વધુ નોકરીઓ ઉભી થવાનું સૌથી મોટું કારણ એ હોય છે કે તેમાં ઓટોમેશનનું પ્રમાણ ઘણું ઓછુ રહે છે. મેન્યુઅલ કામ વધુ થતું હોવાથી તેમાં કારીગરોની જરૂર રહે છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, જામનગરમાં સૌથી વધુ MSME એકમો આવેલા છે.
ગુજરાતમાં માઈગ્રંટ કામદારોનું પ્રમાણ ઘણું ઊંચું
ગુજરાતના ઉદ્યોગોમાં મોટાભાગે માઈગ્રંટ કારીગરો જ વધારે છે જે, ઓરિસ્સા, બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાંથી આવે છે. આજે પણ પછાત ગણાતા રાજ્યોના લોકો ગુજરાતમાં રોજગાર માટે આવવાનું વધારે પસંદ કરે છે. જોકે, જાણકારોનું માનવું છે કે, MSME એકમોની સંખ્યા વધવાની સાથે ઉત્તર પ્રદેશ, બંગાળ જેવા રાજ્યોમાંથી આવતા લોકોનો પ્રવાહ થોડી ઓછો થયો છે. આ સ્થિતિમાં આવતા દિવસોમાં સ્કિલ્ડ મેનપાવરની અછત ઊભી થઇ શકે છે.


