RBIનો ચોંકાવનારો રિપોર્ટ, ખાનગી બેન્કોમાં ડીજીટલ ઠગાઈ વધુ તો સરકારી બેન્કોમાં લોન ફ્રોડની ઉચાપત
ભારતમાં બેન્કીંગ સેવાઓનો વ્યાપ સતત વધી રહ્યો છે. ડીજીટલ બેન્કીંગ હવે ગામડાં સુધી પહોંચ્યું છે, લોકો મોબાઇલથી જ લેવડદેવડ કરી રહ્યા છે. પરંતુ આ સાથે બેન્ક ફ્રોડનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. તાજેતરમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક રિપોર્ટમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે બેન્કોમાં ફ્રોડના કુલ કેસોની સંખ્યા ઘટી છે, પરંતુ તેમાં સંડોવાયેલી રકમમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. એટલે કે હવે નાના ફ્રોડ કરતાં મોટા કરોડોના ફ્રોડ વધુ સામે આવી રહ્યા છે.
RBIના ‘ટ્રેન્ડ એન્ડ પ્રોગ્રેસ ઓફ બેન્કીંગ ઇન ઇન્ડિયા 2024-25’ રિપોર્ટ મુજબ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બર – છ માસના ગાળામાં કુલ રૂ.21,515 કરોડના બેન્ક ફ્રોડ નોંધાયા છે. જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં રૂ.16,589 કરોડના ફ્રોડ નોંધાયા હતા. એટલે કે રકમમાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે ફ્રોડના કેસોની સંખ્યા જોવામાં આવે તો ગત વર્ષે 18,386 કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે માત્ર 5,092 કેસ નોંધાયા છે. એટલે કે લગભગ 60 ટકા જેટલો ઘટાડો થયો છે.
RBIનું માનવું છે કે ફ્રોડની રકમ વધવાનું એક મોટું કારણ સુપ્રીમ કોર્ટનો 2023નો ચુકાદો છે. આ ચુકાદા બાદ બેન્કીંગ ફ્રોડના 122 જૂના કેસોની ફરી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ જૂના કેસોમાં જ રૂ.18,336 કરોડ જેટલી મોટી રકમના ફ્રોડનો સમાવેશ થતો હોવાથી કુલ આંકડો ઊંચો દેખાઈ રહ્યો છે.
રિપોર્ટ અનુસાર ફ્રોડના કુલ કેસોમાંથી 68.8 ટકા કેસ ડીજીટલ ફ્રોડના છે. એટલે કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કીંગ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફત થયેલી ઠગાઈઓ વધુ છે. જોકે આ ડીજીટલ ફ્રોડમાં રકમ પ્રમાણમાં ઓછી હોય છે. તેની સામે લોન ફ્રોડના કેસ ઓછા હોવા છતાં તેમાં સંડોવાયેલી રકમ બહુ મોટી છે. ખાસ કરીને રૂ.1 લાખ કે તેથી વધુ રકમના લોન ફ્રોડના 33.1 ટકા કેસ નોંધાયા છે.
બેન્કના પ્રકાર મુજબ જોવામાં આવે તો ખાનગી બેન્કોમાં ફ્રોડના કુલ કેસોમાંથી 59.3 ટકા કેસ નોંધાયા છે. તેમાં મોટાભાગે ઈન્ટરનેટ આધારિત ઠગાઈ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ ફ્રોડ અને ફિશિંગ જેવા કેસો સામેલ છે. બીજી તરફ સરકારી અને રાષ્ટ્રીયકૃત બેન્કોમાં ફ્રોડની કુલ રકમ 70.7 ટકા જેટલી છે, જે દર્શાવે છે કે મોટા લોન ફ્રોડ મુખ્યત્વે સરકારી બેન્કોમાં થયા છે.
RBIના રિપોર્ટમાં વધુ એક મહત્વની માહિતી સામે આવી છે કે કુલ 942 ફ્રોડના કેસ પરત ખેંચવામાં આવ્યા છે, જેમાં રૂ.1.28 લાખ કરોડની વિશાળ રકમ સામેલ હતી. બેન્કોને આ કેસોમાં નાણાંની ભરપાઈ થઈ જતા અથવા સેટલમેન્ટ થતાં આ કેસો બંધ કરવામાં આવ્યા હતા.
બેન્કીંગ નિષ્ણાંતોનું માનવું છે કે ફ્રોડ વધવાનું એક મોટું કારણ KYC પ્રક્રિયામાં ઢીલાશ, બેન્ક કર્મચારીઓની ઓછી સતર્કતા અને જૂના ફ્રોડમાંથી પૂરતો બોધપાઠ ન લેવો છે. ખાસ કરીને ભાડે અપાતા બેન્ક ખાતા, બનાવટી દસ્તાવેજો અને ખોટી માહિતીના આધારે ખાતા ખોલી સાયબર ક્રાઈમ કરવામાં આવે છે.
RBIએ બેન્કોને સૂચના આપી છે કે KYC પ્રક્રિયા સતત અપડેટ રાખવામાં આવે, રિજેક્ટ થયેલા KYCનો પણ રેકોર્ડ જાળવવામાં આવે અને ટેકનોલોજી તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધુ ઉપયોગ કરીને શંકાસ્પદ ખાતાઓને સમયસર ઓળખવામાં આવે. સાથે સાથે, લોન મંજૂરી પહેલાં વધુ કડક ચકાસણી કરવામાં આવે તો મોટા ફ્રોડ અટકાવી શકાય તેમ નિષ્ણાંતો માને છે.
છ માસમાં બેન્ક ફ્રોડનું સાચું ચિત્ર
એપ્રિલ–સપ્ટેમ્બર 2025 : રૂ.21,515 કરોડ
એપ્રિલ–સપ્ટેમ્બર 2024 : રૂ.16,589 કરોડ
કેસોની સંખ્યા ઘટી, રકમમાં 30% વધારો
કયા ફ્રોડ સૌથી વધુ?
ડીજીટલ ફ્રોડ : 68.8% કેસ
લોન ફ્રોડ : રકમ સૌથી વધુ
રૂ.1 લાખથી ઉપરના લોન ફ્રોડ : 33.1%
1.28 લાખ કરોડના કેસ કેમ બંધ થયા?
RBI ના જણાવ્યા અનુસાર કુલ 942 ફ્રોડ કેસ પરત ખેંચાયા કારણકે બેન્કોને રકમની વસુલાત થતા કેસ બંધ કરવામાં આવ્યા છે. આ કારણે આંકડાઓમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.
RBIએ બતાવ્યા મુખ્ય કારણો
KYCમાં બેદરકારી, બેન્ક સ્ટાફની ઓછી સતર્કતા, ભાડે અપાતા બેન્ક ખાતા, બનાવટી દસ્તાવેજોનો વધતો ઉપયોગ, આ રિપોર્ટ સ્પષ્ટ સંકેત આપે છે કે ડીજીટલ જાગૃતિના કારણે નાના ફ્રોડ ઘટ્યા છે, પરંતુ મોટા લોન ફ્રોડ બેન્કીંગ સિસ્ટમ માટે મોટો પડકાર બની રહ્યા છે.


